
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર દ્વારા વિશાળ વસ્ત્ર વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન:
કમલેશ ગાવિત, વાંસદા : ભારત સેવાશ્રમ સંઘ, ગંગપુર દ્વારા આયોજિત અને પ્રેમ પ્રકાશ આશ્રમ, સુરતના સહયોગથી આજે એક ભવ્ય અને સેવાભાવી વસ્ત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના જરૂરિયાતમંદ વર્ગ માટે યોજાયેલો આ કાર્યક્રમ માનવસેવા અને કરુણાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો.
કાર્યક્રમમાં ભારત સેવાશ્રમ સંઘની સુરત શાખાના સ્વામી અબ્રિશાનંદ નંદજી મહારાજ, આંતરરાષ્ટ્રીય ભારત સેવાશ્રમ સંઘના સંયુક્ત સચિવ તથા ગંગપુર શાખાના સ્વામી વિશ્વરૂપાનંદજી મહારાજ, પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતના નારાયણ ગંગવાણીજી, નંદકિશોરજી, રાહુલ ગંગવાણી તથા તેમના સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મુંબઈથી પધારેલા દાતાશ્રી ચંદ્રકાંત જાદવ, યોગેશ જાદવ અને રવિભાઈ ખત્રીની વિશેષ હાજરી કાર્યક્રમને ગૌરવ આપતી હતી.
સંસ્થાના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી નિમિષ વ્યાસ, ડાયરેક્ટર શ્રી કિશોર પટેલ, માધ્યમિક શાળાના આચાર્ય શ્રી મણિલાલ પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હિમ્મત ચૌહાણ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી ભાવેશ પટેલ તેમજ મુંબઈથી પધારેલી મહિલા મંડળની બહેનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
કાર્યક્રમની શરૂઆત ગૌશાળામાં હવન-પૂજા અને ગાયોની પૂજા સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રીયમ એમ. પી. કાપડિયા વિદ્યામંદિરના પ્રાંગણમાં વસ્ત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં કુલ 1000 સાડી અને શર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આશરે 1500 લાભાર્થીઓએ પ્રસાદીનો લાભ લીધો સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન શાળાના શિક્ષકો ટ્વિંકલભાઈ અને કલ્પેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ સ્ટાફે અખૂટ મહેનત અને સમર્પણ સાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ સેવાકાર્ય દ્વારા સંસ્થાએ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીને ફરી એકવાર સાબિત કરી અને માનવસેવાના કાર્યમાં નવી પ્રેરણા પુરી પાડી હતી.



