શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
કોવિડ-૧૯ થી સુરક્ષિત રહેવા કોરોના વિરોધી રસી લેવી ખૂબ હિતાવહ છે -પૂર્વ સંસદીય સચિવશ્રી હર્ષદભાઇ વસાવા
પૂર્વ સંસદીય સચિવશ્રી હર્ષદભાઇ વસાવાએ સુંદરપુરા ગામના સબસેન્ટર ખાતે કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો:
કોવિડ-૧૯ વેક્સીનની રસી લીધાબાદ પણ માસ્ક પહેરવાં, સોશીયલ ડિસ્ટન્સ જાળવવાં અને સેનીટાઇઝેશન કરવાની ખાસ કાળજી રાખવા અધિક આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામીતની હદયસ્પર્શી અપીલ:
૪૫ થી ૫૯ વય જૂથમાં આવતાં કો-મોર્બિડ-૧૬૧૫ અને ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા-૬૨૦૧ સહિત કુલ-૭૮૧૬ વ્યક્તિઓએ આજદિન સુધી કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો:
રાજપીપલા, રવિવાર:- દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ૪૫ થી ૫૯ વય જૂથમાં આવતા ગંભીર રોગો ધરાવતા કો-મોર્બિડ અને ૬૦ વર્ષથી વધુ વય ધરાવતી વ્યક્તિઓને વેક્સીનનો પ્રથમ ડોઝ અપાઇ રહ્યો છે, ગુજરાતના પૂર્વ સંસદીય સચિવશ્રી હર્ષદભાઇ વસાવાએ આજે તેમના માતૃશ્રી ચંપાબેન વસાવા સાથે સુંદરપુરા ગામના સબસેન્ટર ખાતે કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
પૂર્વ સંસદીય સચિવશ્રી હર્ષદભાઇ વસાવાએ સૌ નાગરિકોને અપીલ કરતાં જણાવ્યુ હતું કે, મે આજે કોવિડ-૧૯ રસીકરણનો પ્રથમ ડોઝ લીધો છે અને મને કોઇપણ પ્રકારની આડઅસર થઇ નથી. સરકારશ્રીએ કોવિડ-૧૯ વિરોધી રસીનો લાભ ઘર આંગણે પોતાના ગામના સબ સેન્ટર થકી મળી રહે તે પ્રકારની સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે, ત્યારે ભવિષ્યમાં પણ કોવિડ-૧૯ થી સુરક્ષિત રહેવા સિનિયર સિટીઝનો સહિત જિલ્લાના સૌ પ્રજાજનોને કોરોના વિરોધી રસીનો અવશ્ય લાભ લેવા શ્રી વસાવાએ ખાસ હિમાયત કરી છે.
જિલ્લામાં કોવિડ વેક્સીનની થઇ રહેલી કામગીરી અંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામિતે જણાવ્યુ હતું કે, ૪૫ થી ૫૯ વય જૂથમાં આવતા કો-મોર્બિડ ગંભીર રોગો ધરાવતા અને ૬૦ વર્ષથી વધુ વય ધરાવતી વ્યક્તિઓએ જિલ્લામાં હાલમાં રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર, જિલ્લાના તમામ સબ સેન્ટર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત જિલ્લાના કુલ-૨૦૧ જેટલાં સ્થળોએ કોવિડ-૧૯ ની વેક્શીનેશનની કામગીરી થઇ રહી છે, જેમાં ૪૫ થી ૫૯ વય જૂથમાં આવતાં કો-મોર્બિડ-૧૬૧૫ અને ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા-૬૨૦૧ સહિત કુલ-૭૮૧૬ વ્યક્તિઓએ કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું કોવિડ વિરોધી રસીથી ગભરાવાની જરૂર નથી. આ રસી ખૂબ જ ફાયદાકારક છે. કોવિડ-૧૯ વેક્સીનની રસી લીધા બાદ પણ માસ્ક પહેરવાં, સોશીયલ ડિસ્ટન્સ જાળવવાં અને સેનીટાઇઝેશન કરવાની ખાસ કાળજી રાખવા તેમણે હદયસ્પર્શી અપીલ કરી છે.
રાજપીપલાના શિવનગર સોસાયટીના રહીશ ૮૮ વર્ષીય સિનીયર સિટીઝન શ્રી દેવીશંકરભાઇ શંકરરાવભાઇ અમરાવતે આજે રાજપીપલામાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉક્ત રસી લીધા બાદ જણાવ્યું હતું કે, આજે મે કોરોના વિરોધી રસી મુકાવી છે મને કોઇ કોઇપણ તકલીફ પડી નથી, ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા તમામ લોકોએ કોવિડ વેક્સીન અવશ્ય લેવાની તેમણે હિમાયત કરી હતી. તેવી જ રીતે રાજપીપલાના આદિત્ય સોસાયટીના રહીશ ૬૦ વર્ષીય કૈલાશબેન એસ.પટેલે કહ્યું કે, કોરોનાની રસી લીધા બાદ મને અડધો કલાક બેસાડવામાં આવી હતી, મે આ રસી લીધા બાદ મને કોઇ તકલીફ પડી નથી.