
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જીલ્લાના ધવલીદોડ ગામે યોજાશે આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવ ; ૩૫૧ જેટલાં નવ દંપતિઓની થઈ છે નોંધણી :
ડાંગ, આહવા: સને ૨૦૦૧ થી દર વર્ષે ડાંગ જિલ્લામા આદિવાસી સમૂહ લગ્નોનુ આયોજન કરતા શ્રી બજરંગી સાર્વજનિક વિવિધ કાર્યકારી મંડળ-ધવલીદોડ દ્વારા, તા.૨૦ મે, ૨૦૨૨ ના રોજ આ વર્ષના દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવનુ ધવલીદોડ ખાતે આયોજન કરાયુ છે.
સંસ્થા પ્રમુખ શ્રી રમેશભાઈ ગાંગોર્ડાના જણાવ્યા અનુસાર કોરોનાના બે વર્ષોના વિરામ બાદ આ વર્ષે લગ્ન ઉત્સુક દંપતિઓની સંખ્યા વધુ હોવાથી, શ્રેણીબદ્ધ રીતે જિલ્લાના ત્રણેય તાલુકાઓમા આદિવાસી સમૂહ લગ્નોનુ આયોજન કરાયુ છે. જે મુજબ આ વર્ષના પ્રથમ સમૂહ લગ્ન સુબીર તાલુકાના મોખામાળ ગામે આયોજિત કરાયા હતા. જેમા ૧૧૨ દંપતીઓએ લાભ લીધો હતો. જ્યારે આગામી તા.૨૦ મે, ૨૦૨૨ ના રોજ આહવા તાલુકાના ધવલીદોડ ગામે આયોજિત સમુહ લગ્ન માટે ૩૫૧ જોડાની નોંધણી કરવામા આવી છે. તો તા.૨૭/૫/૨૦૨૨ ના રોજ વઘઇ તાલુકા મથકે આયોજિત સમૂહ લગ્નો માટેની પણ નોંધણી શરૂ કરી દેવામા આવી છે. સને ૨૦૦૧ થી શરૂ કરેલી આદિવાસી સમુહ લગ્નોત્સવના આ સામાજિક યજ્ઞકાર્યમા અત્યાર સુધી કુલ ૧૦ હજાર ૫૦૦ દંપતી (૨૧ હજાર લાભાર્થીઓ) લાભ લઈ ચૂક્યા છે, તેમ પણ શ્રી રમેશભાઈએ વધુમા જણાવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવમા ભાગ લેતા દંપતિઓને સંસ્થા દ્વારા કપડા, વાસણ, ભોજન, મંડપ, ડી.જે., વરઘોડો, પૂજાપો, તથા ગોર મહારાજની સેવા વિનામુલ્યે પૂરી પાડવામા આવે છે. સાથે જો કોઈ દિવ્યાંગ લાભાર્થી હોય તો વ્યક્તિગત રૂપિયા પચાસ હજાર, અને દિવ્યાંગ દંપતી હોય તો એક લાખ રૂપિયાની સહાય, રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગ મારફત અપાવવામા આવે છે. જ્યારે અન્ય લાભાર્થીઓને દંપતી દીઠ રૂપિયા બાર હજારની સહાય આદિજાતિ વિકાસ વિભાગમાથી અપાવવામા આવે છે.