શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર
નેત્રંગ ચાર રસ્તા અને જવાહર બજારમાં દબાણો દૂર કરવા તંત્રને રજૂઆત કરાઇ;
નેત્રંગ તાલુકો ઘણા વર્ષોથી વિકાશીલ તાલુકો ગણાતો હતો, પરંતુ હાલ જાણે વિકાસ અટકી ગયો હોય તેવું લાગી રહ્યું છે. એમાં પણ નેત્રંગ ટાઉનનો તો વિકાસ સાવ રૂંધાય ગયો છે. તેની પાછળનું કારણ આડેધડ લોકોએ કરેલ દબાણ તેપણ પાછું કેટલાય સંચાલકો બદલાયા પણ જૈસે થે તેમજ ગાડું ચાલ્યા કરે છે.
આ ગેરકાયદેસર કરેલા દબાણથી વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે ત્રાસદાયક બની ગયો છે. પરંતુ આજની જાગૃત યુવાપેઢી કંઈક નવું કરવા માંગે છે, તેમ નેત્રંગ ચાર રસ્તાની ચારેય બાજુનું અને મુખ્ય જવાહર બજારમાં થયેલ દબાણ તોડી પાડવા યુવાનોએ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને લેખિતમાં ફરીયાદ કરી છે. આથી ટાઉનના લોકોમાં દબાણ બાબતે ઉહાપોહ મચી ગયો છે.
નેત્રંગ ગામમાં તાલુકાના ૭૮ ગામના અને આજુબાજુના ઝધડીયા, વાલીયા, ડેડીયાપાડા, ઉમરપાડા તેમજ ઝંખવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ના લોકો રોજબરોજની ખરીદી માટે જવાહર બજાર ચાર રસ્તા વિસ્તારમાં આવતા હોય છે મોટે ભાગે લોકો બસ ,રીક્ષા, પેસેન્જર તેમજ પોત પોતાના વાહનો લઇને આવતા હોય છે. ગ્રામ પંચાયત થી ચાર રસ્તા સુધી તમામ રસ્તાની બન્ને બાજુ ઉપર બેરોકટોક વધી રહેલા દબાણોને કારણે વાહન પાર્કિંગની ભારે સમસ્યા ઉભી થતી હોવાથી વાહન ચાલકોને ત્રાસદાયી બની ગયું છે.
ઘણા ખરા વેપારીઓ તેમના વાહનો અને સામાન રસ્તા વચ્ચે જ મૂકી વાહન વ્યવહારને અસર કરી રહ્યા છે. તેમ છતાં પોલીસ, મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. નેત્રંગ ચાર રસ્તાની ચારેયની ચારેય બાજુના ભાગે ખાનગી પેસેન્જર વાહનોનો ખડકલો કરી દેતા વાહન વ્યવહારને ભારે અસર થઈ રહી છે.
આવી સમસ્યામાં ગાંધી બજારમાં રહેતો પ્રતિક રાજેશભાઇ પ્રજાપતિ, જીગ્નેશ અર્જુનભાઇ વસાવા તેમજ અન્ય જાગૃત નવયુવાનોએ મુખ્ય બજારો તેમજ ચાર રસ્તા વિસ્તારના દબાણો દુર કરવા માટે નેત્રંગ તાલુકા મામલતદાર, ટીડીઓ, સરપંચ સહિત લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરતા દબાણકર્તાઓમાં ગણગણાટ ફેલાય ગયો છે.