
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપળા: કેવડિયા બચાવો આંદોલન સમિતિના આગેવાન ડો.પ્રફુલ વસાવા એ તેમની રજુઆતમાં જણાવ્યું કે કેવડિયા વિસ્તારમાં બહાર થી આવેલ પોલિસ જવાનોમા કોરોના પોઝીટીવના આંકડા દિવસે ને દિવસે વધી રહ્યા છે. છતાં સાહેબને ખુશ કરવા ૩૧ઓકટોબરનો કાર્યક્રમ થશે. જેવી રીતે વિદેશોમાંથી વિમાનોમા ભરી ભરીને કોરોના આ દેશની સરકાર ભારતમા લાવી તે રીતે કેવડિયા આદિવાસી વિસ્તારમાં પોલિસ અને ફોર્સ ના જવાનો મારફતે કોરોના ફેલાવી રહ્યાના આક્ષેપ કેવડિયા બચાવો આંદોલન સમિતિના ડો.પ્રફુલ વસાવા એ કર્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧ દિવસ આવી કરોડોના વિમાનમા બેસી ઉડી જાય તેની પાછળ રાજા મહારાજાઓની જેમ જાહોજલાલી – તાયફા થઈ રહયાં છે. સ્ટેચ્યુ ઓફ યુનીટી – વિયરડેમ થી જે ખેડુતોના ઉભા પાકને નુકસાન થયું, ખેડૂતોના ઘરોમાં પાણી ફરી વળ્યાં, આખાને આખા ઘરો અને ખેતરો વિયરડેમ ને કારણે તણાય ગયા તોય જાડી ચામડીની ભાજપ સરકારના પેટનું પાણી હલતું નથી. વિયરડેમ થી જમીન સંપાદન વગર જે જમીનો નું ધોવાણ નિગમ ની ભુલને કારણે થયું. સરદાર સરોવર નર્મદા નિગમ ને પોતાની ભુલ થયાંનું ભાન થતાં આખરે ૨૦ કરોડ રૂપિયા ફાળવતી સરકાર ૩૧ ઓકટોબર ની જાહોજલાલી માટે ૪૦ કરોડ ની માત્ર લાલ -પીળી લાઈટો લગાડે! એ કોના બાપ ની દિવાળી? સ્ટેચ્યુ ઓફ યુનીટી હવે સ્ટેચ્યુ ઓફ બિજનેસ બનીને રહી ગયું છે. જાે ગુજરાત સરકાર આદિવાસીઓ પ્રત્યે સંવેદનશીલ હોત તો ૪૦ કરોડ લાઈટો ને બદલે ગરુડેશ્વર વિયરડેમ થી નુકસાન થયેલ ખેડુતો માટે આ રકમ વાપરી હોત, ગરુડેશ્વર વિયરડેમ ને કારણે જે નુકસાન ખેડુતો ની ખેતી ને થઈ રહ્યું છે તે જાેતા ૫૦ કરોડ પણ આ સરકાર ફાળવે તો પણ ઓછા છે, તેમ ડો.પ્રફુલ વસાવા એ જણાવ્યું હતું.