શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારના વિવિધ સ્થળોએ“અવસર રથ” થકી મતદોરોને મતદાન માટે પ્રેરિત કરાયા;
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માં મતદાનની ટકાવારી વધારવાની સાથોસાથ નર્મદા જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરિત થાય તેવા શુભ આશયથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ સ્વીપ એક્ટિવિટી અને અવસર લોકશાહીના અભિયાન અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિકો સમાન અને સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને તેવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાઈ રહ્યા છે.
નર્મદા જિલ્લામાં પણ તા.૧૪ નવેમ્બર, ૨૦૨૨ ને સોમવારના રોજ ૧૪૮-નાંદોદ (અ.જ.જા) અને તા.૧૫ નવેમ્બર, ૨૦૨૨ ને મંગળવારના રોજ ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારના વિવિધ સ્થળોએ “અવસર રથ” દ્વારા જિલ્લાના તમામ મતદાન મથકોના મતદારો લોકશાહીના પર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવે તેમજ જાગૃત થાય તેવા ઉમદા આશય સાથે “મિશન-૨૦૨૨” હાથ ધરી “હું તો વોટ કરીશ” ની થીમ સાથે મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં.
પ્રથમ દિવસે નાંદોદ તાલુકાના વડીયા-૨ પ્રાથમિક શાળા, રંગ નગર, નરેન્દ્ર પાર્ક અને શિવમ નગર, હરસિધ્ધિ નગર, રોયલ સન સીટી, સાઇ દર્શન સોસાયટી, વૃદાંવન સોસાયટી, માધવબાગ સોસાયટી, રામેશ્વર બંગ્લોઝ, વડીયામાં તેવી જ રીતે ગરૂડેશ્વર તાલુકાના કોઠી પ્રાથમિક શાળા, વીર ભગતસિંહ પ્રાથમિક શાળા એકતાનગર તદ્ઉપરાંત બીજા દિવસે દેડીયાપાડા વિધાનસભા મતક્ષેત્રમાં તાલુકાના હરીપુરા પ્રાથમિક શાળા, પ્રાથમિક કન્યા શાળ, કાબરી પઠાર પ્રાથમિક શાળા દેડીયાપાડા તેમજ સાગબારા તાલુકાના પ્રાથમિક શાળા કનખાડી, કન્યા શાળા, સેલંબા હાઇસ્કૂલ, પ્રાથમિક શાળા ખડકીમહુ સાગબારા વગેરે વિસ્તારોમાં “અવસર રથ” ને ફેરવી મતદારોને આગામી ચૂંટણીમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવે તે માટે પ્રોત્સાહિત કરાયા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને ગ્રામજનોને જાગૃત કરવા માટે શેરીનાટકના આયોજન થકી મતદાન અંગે લોકજાગૃતિનું સરાહનીય કામગીરી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
મતદાન મથકો ખાતે “અવસર રથ” ભ્રમણ કરી નાગરિકોને મતદાનના મહત્વ અંગે મામલતદારશ્રી, સ્થાનિક BLO, વિવિધ નોડલ ઓફિસરો દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ આ પ્રસંગે વધુમાં ગ્રામજનોએ “અવસર રથ” ઉપર સહી કરી ચૂંટણીમાં ઉત્સાહભેર ભાગ લેવા સંકલ્પબધ્ધ થયા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક BLO, નોડલ ઓફિસરશ્રીઓ, એફ.પી.એસ. સંચાલકશ્રી, એમ.ડી.એમ. સંચાલકશ્રી, તલાટી કમ મંત્રીશ્રીઓ, વિદ્યાર્થીઓ, ગ્રામ સેવકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો/મતદારો હાજર રહી “અવસર રથ” ના આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.