
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , નર્મદા સર્જનકુમાર
આમ આદમી પાર્ટી નર્મદા જીલ્લામાં ગાબડું : આપ નાં એસટી સેલના જોઈન્ટ સેક્રેટરી નર્મદા જિલ્લાના એનેક કાર્યકરો સાથે પક્ષ છોડયો;
આપ નાં એસટી સેલના જોઈન્ટ સેક્રેટરી ડૉ.કિરણ વસાવા એ અનેક કાર્યકરો સાથે કેસરિયો ધારણ કર્યો;
નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બહુ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજ્યમાં તમામ પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગેલા છે. આ સાથે જ ગુજરાતની ચૂંટણીમાં પૂરી તાકાત સાથે ઉતરવાની તૈયારી કરી રહેલી આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો મળ્યો છે, નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીને ઓળખ અપાવનાર ડૉ.કિરણ વસાવા આમ આદમી પાર્ટી (AAP) સાથે આજે છેડો ફાડ્યો છે તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી અનેક કાર્યકરો સાથે કેસરિયો ધારણ કર્યો છે.
સાગબારા તાલુકાના ટાવલ ગામે બીજેપી દ્વારા પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટી નાં ડૉ.કિરણ વસાવા અને તેમની સાથે અનેક હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીમાં ખેસ ધારણ કરી પ્રવેશ કર્યો છે.
જેમાં ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા અધ્યક્ષ ઘનશ્યામ પટેલે ડૉ.કિરણ વસાવાને પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો. અને ડૉ.કિરણ વસાવાને નર્મદા જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સાથે સાથે આમ આદમી પાર્ટીના સાગબારા તાલુકા પ્રમુખ કમલેશભાઈ વસાવા એ પણ કેસરિયો ધારણ કરતા તેમને સાગબારા તાલુકાના ભાજપના તાલુકા ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં ૧૪૯ ડેડીયાપાડા વિધાનસભાના પ્રભારી મહેશભાઈ વસાવા, જિલ્લા મહામંત્રી નિલરાવ, ભાજપ તાલુકા પ્રમુખ મોતીસિંગભાઈ, તાલુકા મહામંત્રી અમિતભાઇ સહિત સરપંચો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.