શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
આજરોજ સમગ્ર ગુજરાતમાં આજ થી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના રાજ્ય વ્યાપી પ્રારંભની સાથે નર્મદા જિલ્લામાં પણ થયેલો શુભારંભ કાર્યક્રમ:
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો ઉદ્દેશ વાવણીથી લઇને તેના વેચાણ સુધી ખેડૂતોને સહાયરૂપ થવાનો રહેલો છે,
– ચેરમેનશ્રી
રાજપીપલા, શુક્રવાર :- ગુજરાતના ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેનશ્રી ગૌતમભાઇ ગેડીયા, સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ, અગ્રણીશ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, શ્રી સતીષભાઇ સોલંકી, કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ નાંદોદ-ગરૂડેશ્વર તથા તિલકવાડા તાલુકાના ખેડૂત ભાઇ-બહેનોની ઉપસ્થિતિમાં આજે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રીશ્રી કિસાન સહાય યોજનાના યોજાયેલા રાજ્યવ્યાપી લોન્ચીંગ કાર્યક્રમ સાથેનાં ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો. તેવી જ રીતે દેડીયાપાડામાં કૃષિ ઇજનેરી અને પોલીટેકનીક કોલેજ ખાતે બપોર બાદ યોજાયેલા કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.
દેડીયાપાડા માં કૃષિ ઇજનેરી અને પોલીટેકનિક,પારસી ટેકરા ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગે ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.
ગુજરાતના ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેનશ્રી ગૌતમભાઇ ગેડીયા, માજી ધારાસભ્ય શ્રી મોતી સિંગ ભાઈ, રણજીત ટેલર, કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના ખેડૂત ભાઇ-બહેનોની ઉપસ્થિતિમાં આજે દેડીયાપાડા માં કૃષિ ઇજનેરી અને પોલીટેકનિક,પારસી ટેકરા ખાતે મુખ્યમંત્રીશ્રી કિસાન સહાય યોજનાના યોજાયેલા રાજ્યવ્યાપી લોન્ચીંગ કાર્યક્રમ સાથેનાં ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો શુભારંભ કરાવતાં ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેનશ્રી ગૌતમભાઇ ગેડીયાએ જણાવ્યું હતું કે, સરકારશ્રીના સંવેદનશીલ અભિગમથી સમગ્ર રાજ્યભરમાં આજથી પ્રારંભાયેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનનો ઉદ્દેશ વાવણીથી તેના વેચાણ સુધીની વ્યવસ્થામાં ખેડૂતોને સહાયરૂપ થવાનો રહેલો છે. જેમાં ૭ જેટલાં માપદંડો આવરી લેવાયેલ છે. આગામી ૨૦૨૨ માં ખેડૂતોની આવક બમણી કરવાના દેશના વડાપ્રધાનશ્રીના નિર્ધારને ફળિભૂત કરવા રાજ્ય સરકારે ખેડૂતોને ઉપયોગી કૃષિલક્ષી અનેક પગલાંઓ થકી સહાયરૂપ થઇ રહી છે. ગત વર્ષે ગુજરાત ૯.૩ ટકાની વૃધ્ધિ સાથે ખેતપેદાશમાં સમગ્ર દેશમાં પ્રથમ નંબરે રહ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની સાથોસાથ આત્મનિર્ભર ભારત અંતર્ગત ખેડૂતો માટે નવી યોજનાઓની પણ સમજ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પુરૂં પાડવા માટે યોજાયેલા ઉક્ત કાર્યક્રમમાં વધુમાં શ્રી ગેડીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ખરીફ પાકમાં અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ સામે વિમાના સુરક્ષા કવચ સાથે ખરીફ પાકની સંપૂર્ણપણે ચિંતા સરકાર કરશે. તેમણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં આવરી લેવાયેલ તમામ પાસાંઓની વિસ્તૃત જાણકારી આપતાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિમાં નર્મદા જિલ્લામાં લાભાર્થી ખેડૂતોના બેન્ક ખાતામાં રૂા.૯૪ કરોડની રકમ જમા કરાઇ છે. તેમણે સરકારશ્રીની પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે રીતની કાર્યશૈલી થકી પોતાની કામગીરીથી આત્મસંતોષ થાય તે જોવા સૌ કર્મયોગીઓને ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મદદનીશ ખેતી નિયામકશ્રી .કે.એસ.ઠક્કર, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી નિલેશ ભટ્ટ, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એસ.કે. ઢીમર, ખેડૂત ભાઇ-બહેનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રારંભમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડૉ. નિલેશ ભટ્ટે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એસ.કે. ઢીમરે આભારદર્શન કર્યું હતું.