શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ રામુભાઈ માહલા ડાંગ
ડાંગ જિલ્લાના નડગખાદી ગામે દિપડાએ વૃધ્ધ પર હુમલો કરતા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીએ સ્થળ પર જઇ પરિવાર સાથે મુલાકાત કરી :
વન વિભાગ અને પોલિસ વિભાગના કર્મીઓ સ્થળ પર તૈનાત કરાયા :
વન વિભાગે દિપડાને પકડવા ત્રણ પાંજરા ગોઠવ્યા :
આહવા: ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ચીચીનાગાંવઠા રેંજ વિસ્તારમા આવેલ નડગખાદી ગામમા દિપડાએ એક વૃધ્ધ વ્યક્તિ ઉપર હુમલો કરતા તેનુ મોત નિપજ્યુ હતુ. આ ધટનાની જાણ થતા વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાઘાક્રિષ્ણ (IFS), તથા મદદનીશ વન સંરક્ષકશ્રી, સુશ્રી આરતી ડામોર, પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ, ચીચીનાગાંવઠા રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસર શ્રી, સુરેશકુમાર મીના (IFS), તથા વઘઇ તાલુકાના પી.એસ.આઇ. શ્રી પી.બી.ચૌઘરી, આહવા મામલતદાર શ્રી ભરતભાઇ ચાવડા સહીત વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, અને કર્મચારીશ્રીઓએ સ્થળ પર જઇ પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના આપી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આજ તા.૮/૧૧/૨૦૨૩ના રોજ વહેલી સવારે ૬.૧૫ કલાકે ગામ નિવાસી સ્વ. મોતીરામભાઇ લાહનુભાઇ રાઉત, ઉ.વર્ષ.૫૫ દૈનિક કાર્ય અર્થે પોતાના ઘરથી ૫૦ મીટરની દુર અંતરે બેઠેલ હતા, તે સમયે અચાનક દીપડો આવી ચડતા તેમને ગળાના ભાગે ઇજા કરતા તેમનું સ્થળ પર જ પ્રાણ પંખેરુ ઉડી જવા પામ્યું હતુ.
દિપડાના હુમલાનો અવાજ સાંભળી મૃતકના પત્ની તાત્કાલીક સ્થળ પર દોડી આવ્યા હતા. જેઓએ મોતીરામભાઇને ઘાયલ થયેલ મૃત હાલતમા જોયા હતા. તે સમયે દિપડો ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
આ ધટના બનાવના કારણે આજુબાજુ ઘરના રહેવાસીઓ તરત જ સ્થળ પર આવી ગયા હતા. વન વિભાગને તેની જાણ થતા વન કર્મીઓએ તાત્કાલીક સ્થળ પર પંચકેસ તથા સ્થળ ચકાસણી કરી હતી. જેમા, પિંપરી રાઉન્ડ ફોરેસ્ટર અફસાના કુરેશી તથા બીટગાર્ડ રવિન્દ્ર પાડવી, રોજમદારો સાથે ઉપસ્થિત હતા, અને સ્થળ નિરીક્ષણ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ સહિત પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓએ મૃતક પરિવારજનોને આશ્વાસન આપી તાત્કાલિક મળવા પાત્ર સહાય આપવા માટે સુચન કર્યુ હતુ.
દક્ષિણ ડાંગ વન વિભાગના ડી.સી.એફ.શ્રીએ સ્થાનિક લોકોને રાત્રી કે વહેલી સવારે એકલા નહિ ફરવા, તથા દીપડો હંમેશા પોતાનાથી ઓછી ઉંચાઇ ઘરાવતા એટલે કે નાનુ બાળક, બેઠેલી મહિલા કે પુરુષ પર ત્વરીત હુમલો કરે છે. જે બાબતે સાવચેતી રાખવા જણાવ્યુ હતુ.
આજરોજ બનેલી ધટનાને ધ્યાનમા રાખી માનવભક્ષી હુમલાખોર દિપડાને પાંજરામા પકડીને અન્ય સ્થળે ખસેડવા માટે નડગખાદી ગામ ખાતે તાત્કાલીક અલગ અલગ સ્થળે ત્રણ પાંજરા મારણ સાથે ગોઠવી દેવામા આવ્યા છે. સાથે જ વન વિભાગ અને પોલીસ વિભાગનો સ્ટાફ સ્થળ પર ગોઠવી દેવામા આવ્યો છે.