
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ડાંગ જિલ્લાના રમતગમત, સહકાર, અને વાહન વ્યવહાર વિભાગની કામગીરીની સમીક્ષા કરતા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ;
આહવા: ડાંગ જેવા દુર્ગમ અને આદિજાતિની વસ્તીનુ પ્રભુત્વ ધરાવતા વિસ્તારના વિકાસ કાર્યો, યોજનાઓનુ સુપેરે અમલીકરણ કરવાની અપીલ કરતા સહકાર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જિલ્લાના સંબંધિત અધિકારીઓને વિવિધ સેવાઓ સહિત યોજનાઓના અમલીકરણમા કોઈ ઢીલ ચલાવી નહિ લેવાઈ, તેમ જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા મંત્રીશ્રીએ આહવાન સર્કિટ હાઉસ ખાતે સહકાર વિભાગ સહીત રમત ગમત વિભાગ, અને વાહન વ્યવહાર વિભાગની વિવિધ સેવાઓ, કામગીરી, અને યોજનાઓની સમીક્ષા હાથ ધરતા જિલ્લા અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.
મંત્રીશ્રીએ સહકાર વિભાગની કામગીરીની સમીક્ષા કરતા સહકારી દૂધ મંડળી, જંગલ સહકારી મંડળી, વન વિકાસ મંડળી, ફળ ફૂલ અને શાકભાજી ઉત્પાદક સહકારી મંડળી, ફાર્મર ફ્રેન્ડ એન્ડ ફાર્મર ઓર્ગેનિક સોસાયટી, પ્રવાસન વિકાસ સહકારી મંડળી સહિત વિવિધ મંડળીઓ, અને સહકારી પ્રવૃત્તિઓની સમીક્ષા હાથ ધરી હતી.
ઉપરાંત રમત ગમત વિભાગની વિવિધ યોજનાઓ, કાર્યક્રમો, અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ અંતર્ગતની જાહેર પરિવહનની સેવાઓની પણ જરૂરી સમીક્ષા કરી ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતા.
ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા સ્થિત સર્કિટ હાઉસ ખાતે આયોજિત આ ઉચ્ચસ્તરીય બેઠકમા મંત્રીશ્રી સહીત, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ન્યુ ગુજરાત યોજનાના બોર્ડ મેમ્બર શ્રી દશરથભાઈ પવાર, ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યા, નાયબ વન સંરક્ષક શ્રી નીલેશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગામીત, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત, સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, પદાધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.