શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડીયાપાડા હાટ બજાર નજીક આવેલું સ્વર્ણિમ વન બન્યું ગંદકીનું ગંજ:
“સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારત” ના સુત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં, જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધી જન્મભૂમિ ખાતેથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. એટલે ગાંધીજીની 150 મી જન્મ જયંતિને અનુલક્ષીને અત્યારથી દેશભરમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો છે જેમાં ક્રિકેટરોથી માંડીને ફિલ્મ સ્ટારો પણ સફાઈ અભિયાનમાં જોડાયા છે. પરંતુ સ્વચ્છતા અભિયાનની વાસ્તવિકતા જોવી હોય તો દેડીયાપાડામાં આવેલ સ્વર્ણિમ વનની મુલાકાત લેવી પડે.
જ્યાં સફાઈ કરવા માટે કોઈની નિમણુંક કરવામાં આવી નથી. જેને કારણે અહીં નિયમિત સફાઈ થતી નથી. જ્યાં-ત્યાં કચરાના ગંજ અને પાનની પિચકારીઓ મારીને ગંદકી કરવામાં આવે છે. ગાંધીજીના નામે સ્વચ્છતા અભિયાન દેશભરમાં ચાલી રહ્યું છે ત્યારે દેડીયાપાડા નાં સ્વર્ણિમ વન ની દયનીય હાલત માટે કોણ જવાબદાર ? સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વર્ણિમ વનની મુલાકાત લઈને અહીં સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે ? અને ગાંધીજીનું “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” ના સુત્રને સાર્થક કરવા પ્રયાસ થશે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
જે ગાર્ડન સ્થાનિકો માટે હરવા ફરવા માટે તેમજ માઈન્ડ ફ્રેશ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું. તેમજ નાના બાળકો ને રમત ગમત માટે આ ગાર્ડન નું નિર્માણ કરવામાં આવ્યું હતુ. ત્યાં રમત ગમત નાં સાધનો પણ મૂકવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિક તંત્ર ની બિન કાળજી ને કારણે આ ગાર્ડન માં કચરાના મોટા મોટા ઢગલા જોવા મળી રહ્યા છે.
હવે એ પણ જોવું રહ્યું કે આ કચરો અહી કોણ નાખે છે? કોણ આ સ્વર્ણિમ વન ને પ્રદૂષિત કરે છે? એ બાબત નું કોઈ ધ્યાન આપતું નથી. જ્યાં ગાર્ડન માં સ્વચ્છતા અને સુગંધિત ફૂલોની મહેક જોવા મળે ત્યાં ફક્ત ગંદકી અને કચરાની દુર્ગંધથી આ ગાર્ડન ની જાણે સજાવટ કરવા માં આવી રહી હોય તેમ જોવા મળે છે.