શ્રોત: ગ્રામીણ ટુડે વેબ ટીમ
વ્યારા, રાજ્યભરમાં તારીખ ર૧મે થી તા. ર૭મી મે દરમ્યાન યોજાઇ રહેલા ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં પણ કલેકટરશ્રી આર.જે.હાલાણીના વડપણ હેઠળ સમાજ અગ્રણીઓના સહયોગથી અભિયાનની શરૂઆત થઈ,
જિલ્લાના સંતવર્યો, ધાર્મિક અને સામાજિક અગ્રણીઓ, વેપાર ઉદ્યોગ અગ્રણીઓ, યુવાઓ, મહિલાઓ સહિત તમામ પ્રજાજનોના સહયોગ સાથે, “કોરોના” સામેના સીધા જંગમાં પ્રત્યેક ગુજરાતી “વોરિયર” બનીને જોડાય, તે માટે જિલ્લાના જનજનને પરિવારના સદસ્યભાવથી તાપી જીલ્લા કલેકટરશ્રી હાલાણીએ સંવેદનાસભર પ્રજાને કર્યું આહવાન,
“કોરોના”નું કાયમી નિદાન નહિ મળે ત્યાં સુધી કોરોના આપણી વચ્ચે જ છે. કોરોના સાથે, કોરોના સામે રક્ષણ મેળવવાની લાંબી લડાઇને સૌએ સાથે મળીને લડવાનું છે. તેમ પણ કલેકટરશ્રીએ જણાવ્યું છે.
‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનમાં સૌ ત્રણ સંકલ્પ કરે અને તેનું કાયમી રીતે પાલન કરે તે આવશ્યક છે તેમ જણાવતા હાલાણીએ (૧) વડીલો અને બાળકો ઘરમાં જ રહે તેની તકેદારી રાખવા,
(૨) માસ્ક પહેર્યા વગર, કારણ વગર ઘર બહાર ન નીકળવા,
(૩) ‘દો ગજ કી દૂરી’ : સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા,
(૪) તા.રરમી મે એ વડીલોનું સન્માન કરતાં દાદા-દાદી સાથે સેલ્ફી લઇ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર મુકવા,
(૫) અને ડર એ વિકલ્પ નથી, ડર નહિ સાવચેતીનો મંત્ર અપનાવવાનો અનુરોધ કર્યો છે.
શ્રી હાલાણીએ અત્યાર સુધી ઘરમાં હતા, સુરક્ષિત હતા. હવે બહાર નીકળવાનું છે ત્યારે તકેદારી રાખી કોરોના સામે જંગ માંડીએ તેમ જણાવતા પ્રજાજનોની જાગૃતિ અર્થે, જિલ્લાના સૌ અગ્રણીઓને તેમનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલમાં માન.મુખ્યમંત્રીશ્રી સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સ વેળા, તાપી જિલ્લા કલેકટર આર.જે.હાલાણીના વડપણ હેઠળ નિવાસી અધિક કલેકટર શ્રી બી.બી.વહોનીયા, જૈન, પારસી, મુસ્લિમ, ખ્રિસ્તી સમાજના અગ્રણીઓ, ગામીત, ચૌધરી, વસાવા, કોટવાળીયા, લોહાણા, અગ્રવાલ સમાજના અગ્રણીઓ, ખેડૂત, પશુપાલક, એડવોકેટ, ડોક્ટર, બિલ્ડર, સામાજિક અને સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો વિગેરેએ ઉપસ્થિત રહી “હું પણ કોરોના વોરિયર” અભિયાનમાં તેમનું યોગદાન આપવાની ખાતરી આપી હતી.