શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં પંચાયત અધિનિયમનો અસરકારક અમલઃ
નવનિયુક્ત સરપંચોએ ઉત્સાહભેર પંચાયત વિભાગની કામગીરીને સહકાર આપ્યો:
ગ્રામ પંચાયતોના તલાટીઓની પ્રાથમિક જવાબદારી…
સોનગઢ તાલુકાના ૩૬ ગામોના ગૌચરના ૯૦૦ દબાણો દુર કરી ૧૫ હેકટરથી વધુ જમીન ખુલ્લી કરાઈ:
વ્યારા-તાપી: તાપી જિલ્લામાં પંચાયત અધિનિયમનો અસરકારક અમલ શરૂ થઈ ગયો છે. તાજેતરમાં જ ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચોના ઉત્સાહ અને સહકારના કારણે પંચાયત વિભાગની કામગીરી ઝડપી બની છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાની સૂચનાને પગલે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોડિયા અને આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીની ટીમે સોનગઢ તાલુકાના ૩૬ ગામોના લાંબા સમયના ગૌચરના ૯૦૦ જેટલા બિનઅધિકૃત દબાણો દુર કર્યા છે.
જેને પરિણામે ૧૫-૬૮-૦૦ હેકટર જમીન ખુલ્લી થઈ છે. ગ્રામ પંચાયતોમાં પ્રાથમિક જવાબદારી તલાટીઓની રહે છે. જેથી દરેક ગામના તલાટીઓને પોતાની જવાબદારી નિભાવવા જિલ્લા વિકાસ અધિકારીએ તાકીદ કરી હતી.
ગુડ ગવર્નન્સ અંતર્ગત તાપી જિલ્લા પંચાયત વિભાગની અસરકારક કામગીરીથી ગામડાઓનો વિકાસ થશે. ગ્રામ પંચાયતોના ગૌચરની કિંમતી જમીનના દબાણો દુર થતા ગ્રામ પંચાયતની આવકમાં વધારો થશે. આ જમીનમાં સરકારશ્રીની મનરેગા યોજના હેઠળ ઘાસચારા ઉત્પાદન અંગે આયોજન કરવામાં આવ્યું છે.
આમ સરપંચો પોતાના ગામમાં મનરેગા હેઠળ વિકાસકામો કરી પોતાના ગામને વિકાસની હરોળમાં અગ્રેસર બનાવી શકાશે.