શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
“પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની કામગીરી સેવાયજ્ઞ સમાન છે” -કલેકટર એચ.કે.વઢવાણિયા
પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના ઓથોરાઇઝડ પર્સન તરીકે પત્રકાર અલ્પેશ દવેની નિમણુંક કરવામાં આવી,
તાપી કલેકટરની અધ્યક્ષતામાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની વાર્ષિક બેઠક યોજાઈ:
વ્યારા-તાપી: આજે તાપી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને સોસયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનીમલ ( SPCA ) પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેકટર વઢવાણિયાએ સંવેદનશીલ અભિગમ અપનાવતા જણાવ્યું હતું કે, પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની કામગીરી સેવાયજ્ઞ સમાન છે. તેમા એવા સભ્યો હોવા જોઇએ જે ખરેખર અબોલા પશુઓની સેવા માટે તત્પર હોય તેવા વધુમાં વધુ લોકોને જોડવામાં આવે. વધુમાં તેમણે વ્યારા અને સોનગઢ નગરપાલિકાઓ મા સરકારી પડતર જગ્યામાં પાંજરાપોળ વ્યવસ્થા ઉભી કરવા માટે આયોજન હાથ ધરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. પાંજરાપોળ વ્યવસ્થા ઉભી થાય તે પહેલા નગરપાલિકા કક્ષાએ ટેમ્પરરી સેલ્ટર હોમ બનાવવામાં આવશે એમ પણ ઉમેર્યું હ્તું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપાડિયાએ રખડતા ઢોરને જ્યારે પકડવામા આવે ત્યારે તેઓના માલિકોને કડક સુચનાઓ આપી દંડ ઉઘરાવવા માટે સુચનો કર્યા હતા. આ ઉપરાંત પશુઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવી સમિતીને હકારાત્મક અભિગમ અપનાવી સેવાનું કામ કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના ઓથોરાઇઝડ પર્સન તરીકે પત્રકાર અલ્પેશ દવેની નિમણુંક કરી, પ્રાણી ઉપર થતા અત્યાચાર નિવારણ, માળખાકીય સવલતો, પશુ ચિકિત્સક, ડાઇવર, ઓથોરાઇઝડ પર્સન અને સભ્યોની નિમણૂંક, સત્તાઓ, સભ્યપદ સહિત વિવિધ મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય, નાયબ પશુપાલન નિયામક શાહ, માનવ એકતા ચેરીટેબલ ટ્રસ્ટના હિતેશભાઈ કાયસ્થ, જીવદયાપ્રેમીઓ, પશુપાલન વિભાગના કર્મચારીઓ તથા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહયા હતા.