
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગની ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ ના રૂટ નિયત કરાયા :
બે રથ જિલ્લા પંચાયતની ૧૮ બેઠકોમા સમાવિષ્ટ ૭૦ ગ્રામ પંચાયતોના ૩૬ ગામો ધમરોડશે : ૧૮ સ્થળોએ યોજાશે વિવિધ કાર્યક્રમો :
ફરજ નિયુક્ત અધિકારી/કર્મચારીઓને માર્ગદર્શન આપતા ઉચ્ચાધિકારીઓ:
ડાંગ જિલ્લામા ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ દરમિયાન કુલ રૂપિયા ૩૦૮૯.૬૬ લાખના વિકાસ કામોની ભેટ ડાંગ જિલ્લાના પ્રજાજનોને મળશે:
ડાંગ, આહવા: ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ના પ્રારંભ સાથે ડાંગ જિલ્લામા બે રથના સાંન્નિધ્યે જિલ્લા પંચાયતની ૧૮ બેઠકોમા સમાવિષ્ટ ૭૦ ગ્રામ પંચાયતો હસ્તકના ૩૬ ગામોને ધમરોડી, કુલ ૧૮ જેટલા વિવિધ કાર્યક્રમોના આયોજનને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામા આવ્યો છે.
ત્રણ દિવાસીય ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ દરમિયાન ડાંગ જિલ્લામા ફરનારા આ બે રથો સાથે જરૂરી લાયઝન અધિકારી સહિતના સ્ટાફની ડ્યૂટી ફાળવવા ઉપરાંત, ઠેરઠેર યોજાનારા કાર્યક્રમો દરમિયાન વિવિધ વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્તના કાર્યક્રમોને પણ આખરી ઓપ આપી દેવાયો છે.
ઉલ્લેખનિય છે કે, ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ના શુભારંભ ટાણે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક શ્રી દુષ્યંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં આહવાના ડાંગ દરબાર હોલ ખાતે તા.૧૮મી એ સવારે ૮ વાગ્યે શુભારંભ કાર્યક્રમ યોજાનાર છે. જ્યાથી મહાનુભાવો જિલ્લાના બે રથોને પ્રસ્થાન કરાવશે.
ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ડી.એન.ચૌધરી, તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લામા ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ના સમગ્ર કાર્યક્રમનુ સુચારૂ આયોજન ઘડી કાઢવામા આવ્યુ છે. ચુનંદા કર્મચારી, અધિકારીઓને વિશેષ ફરજ સોંપી, તેમણે સમયે સમયે માર્ગદર્શન પણ કરવામા આવી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનાર ત્રિદિવસીય ‘‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’’ દરમિયાન ડાંગ જિલ્લા પંચાયતની ૧૮ બેઠકોને આવરી લેતા કુલ.૩૮ કાર્યક્રમો આયોજિત કરવામા આવ્યા છે. યાત્રાના રૂટ દરમિયાન દરેક કાર્યક્રમમા દેશી ગાય નિભાવ ખર્ચની સહાયના ૩૬ ખેડૂતોને ચેક વિતરણ તથા ૫૪ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા ૫૦૦૦ મુજબ પ્રાકૃતિક કૃષિની સહાયના ચેક અપાશે.
જિલ્લાની અઢારે અઢાર બેઠકો ઉપર આઇ.સી.ડી.એસ.ના કાર્યક્રમો તથા પશુ કેમ્પ અને હેલ્થ ચેકઅપ સાથે વેક્સિનેશનના કેમ્પ યોજાશે. જિલ્લામા છ સ્થળોએ રાત્રિ સભા અને ખેતીવાળી, આત્મા પ્રોજેક્ટર, બાગાયત સહિતના ૧૨ સ્થળોએ જુદા જુદા કાર્યક્રમો આયોજિત કરાયા છે.
રાજ્ય સરકારના જુદા જુદા નવ વિભાગો પૈકી ચાર વિભાગોના કુલ રૂપિયા ૬૪૦.૯૭ લાખના ૨૨૮ કામોનુ લોકાર્પણ તથા સાત વિભાગોના કુલ રૂપિયા ૨૩૬૭.૦૮ લાખના ૧૦૮૧ વિકાસ કામોનુ મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરાશે. આ ઉપરાંત ચાર વિભાગોના ૧૩૧૬૨ લાભાર્થીઓને કુલ રૂપિયા ૮૧.૬૧ લાખના સહાયના ચેકો પણ અર્પણ કરાશે.
આમ, ડાંગ જિલ્લામા ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ દરમિયાન કુલ રૂપિયા ૩૦૮૯.૬૬ લાખના વિકાસ કામોની ભેટ ડાંગ જિલ્લાના પ્રજાજનોને મળશે.