શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, રામુભાઈ માહલા
ડાંગ જિલ્લો “કોરોના વેક્સીનેસન” માટે સંપૂર્ણ સજ્જ: જિલ્લામા “કોરોના” વેક્સીનેસન માટે પ્રથમ રાઉન્ડમા પાંચ સ્થળોએ ડ્રાય રન કરાયુ;
તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ વેક્સીનેસન કામગીરીના પુર્વાભ્યાસનુ કરાયુ આયોજન:
(ડાંગ માહિતી બ્યુરો) આહવા; તા; ૭; સમગ્ર દેશ જયારે “કોરોના વેકસીન”ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે, ત્યારે ડાંગ જિલ્લા વહીવટી તંત્રે પ્રથમ તબક્કે જુદા જુદા પાંચ સ્થળોએ વેક્સીનેસનની કામગીરીનો પૂર્વાભ્યાસ કરીને રાજ્ય તથા કેન્દ્ર સરકારના તમામ દિશાનિર્દેશોનું પાલન કરતા આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરી શકાય તે માટે પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.
ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કે આહવાની સિવિલ હોસ્પિટલ સહીત વઘઈ અને સુબીર સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સાકરપાતળ, અને પ્રાથમિક શાળા-ગાઢવી ખાતે સફળતાપુર્વક ડ્રાય રનનુ આયોજન કરાયુ હતુ. આ સાથે જિલ્લાના તમામે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ આવી ડ્રાય રન આયોજિત કરી તંત્રની સજ્જતાની ચકાસણી કરવાનુ આયોજન કરાયુ હોવાનુ તેમને વધુમા જણાવ્યુ હતુ.
દેશવાસીઓમા નવી આશા અને ઉમંગ જગાવતી આ “વેકસીન’ ડાંગ જિલ્લામા પ્રથમ ૨૧૧૨ જેટલા હેલ્થ કેર વર્કર સહીત ૯૧૮૪ ફ્રન્ટ લાઈન વર્કરો, ૩૯,૪૪૩ ફિફ્ટી પ્લસ નાગરિકો, અને ૧૫ થી ૫૦ વર્ષની વયજૂથ ધરાવતા ૧૯૬૮ કો મોર્બિટ લોકો મળી કુલ ૫૨,૭૦૭ નાગરિકોને આપવાનુ આયોજન જિલ્લા કલેકટર શ્રી એન.કે.ડામોર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા ઘડી કાઢવામા આવ્યુ છે, તેમ ડો.સંજય શાહે વધુમા ઉમેર્યું હતુ.
આ ડ્રાય રન દરમિયાન હાથ ધરવાની થતી પ્રક્રિયાની વિગતો આપતા તેમણે ડ્રાય રનમા પહેલેથી નોંધાયેલ વેક્સિન લેનાર ઉપભોક્તાનું કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ CO-WIN સોફ્ટવેરમાં નામાંકન થયેલ હોય છે તેમ જણાવ્યુ હતુ. ઉપભોક્તાએ પોતાનું ઓળખ પત્ર બતાવીને કોરોના વેક્સિન મેળવવાની હોય છે. ત્યાર બાદ તેને મુલાકાત ખંડ એટલે કે વેઇટીંગ એરીયામાં બેસાડવામાં આવે છે, અને પ્રાથમિક તપાસ કર્યા બાદ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવે છે. પ્રાથમિક તપાસમાં ઉપભોક્તાને શરદી, ઉધરસ કે અન્ય લક્ષણ જણાઇ આવે તો તેનુ વેક્સિનેસન અન્ય દિવસે ગોઠવવામાં આવે છે. પ્રથમ ડોઝ આપ્યા બાદ તેને દેખરેખ હેઠળ અલાયદા રૂમમા અડધો કલાક બેસાડવામાં આવે છે.
આ અલાયદા રૂમમાં દેખરેખ હેઠળ રાખવામાં આવેલ દર્દીને સ્વાસ્થ્ય લગતી કોઇપણ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય ત્યારે સધન સારવાર અર્થે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અતિગંભીર પરિસ્થિતિમા અથવા વેક્સિનની કોઇપણ પ્રકારની આડઅસર જણાઇ આવે તો કે અન્ય પ્રકારની તબીબી અણધારી પરિસ્થિતી સર્જાતા વેક્સિન લેનાર વ્યક્તિને આઇ.સી.યુ.માં દાખલ કરવા સુધીની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામા આવી હોય છે, તેમ ડો.શાહે વધુમા જણાવ્યુ હતુ.
આ સમગ્ર પ્રક્રિયાની પ્રત્યક્ષ ડ્રાય રન કરાવીને આગામી સમય માટેની કોરોના રસીકરણની પ્રક્રિયાની સંપૂર્ણ તૈયારીની પ્રતિબધ્ધતા જિલ્લા વહીવટી તંત્ર દવારા દર્શાવવામા આવી હતી.