શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લામા ‘નિરામય ગુજરાત’ કાર્યક્રમનો શુભારંભ કરાવતા- મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી:
–
ડાંગ, આહવા: કોરોના જેવી મહામારીથી પ્રજાજનોને કાયમી રીતે સુરક્ષા પ્રદાન કરી શકાય તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકારે ‘નિરામય ગુજરાત’ અભિયાન હાથ ધર્યુ છે. જેના થકી છુપા રોગો શોધીને પ્રજાજનોને તંદુરસ્ત બનાવવાની કવાયત હાથ ધરવામા આવી છે, તેમ મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ.
આહવા ખાતે ‘નિરામય ગુજરાત’ કાર્યક્રમનો શુભારંભ કરાવતા મંત્રીશ્રીએ પાણીજન્ય રોગોથી પ્રજાકીય જાનમાલને નુકશાન ન થાય તે માટે પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર ચિંતિત છે તેમ જણાવ્યુ હતુ. ‘નલ સે જલ’ ની યોજના અંતર્ગત સૌ પ્રજાજનોને પીવાનુ શુદ્ધ પાણી પૂરુ પાડવાનુ સ્વપ્ન વડાપ્રધાનશ્રીએ સેવ્યુ છે, જેને સાકાર કરવાનો રાજ્ય સરકારે પ્રયાસ આદર્યો છે તેમ પણ પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રીએ વધુમા જણાવ્યુ હતુ.
ડાંગની શુદ્ધ આબોહવામા ઉત્પાદિત ખેત પેદાશોને સો ટકા પ્રાકૃતિક ખેતી તરફ વાળીને, ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરતા મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરીએ, પ્રજાજનોને રોગયુક્ત જીવનશૈલી તરફ દોરી જવાનો મહામહિમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સ્તુત્પ પ્રયાસ છે તેમ પણ જણાવ્યુ હતુ.
ડાંગના પ્રજાજનોને સ્વસ્થ જીવન જીવવા માટેનુ માર્ગદર્શન આપતા મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરીએ ‘નિરામય ગુજરાત’ના કાર્યક્રમની વિભાવના સ્પષ્ટ કરી, સૌને સહિયારી ભાગીદારી દાખવવાની હિમાયત કરી હતી.
વિકાસની રાહ ઉપર આગળ વધી રહેલા રાજ્યના વિકાસની સાથે સાથે પ્રજાજનોના સ્વાસ્થ્યની દરકાર લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારે હઠીલા રોગોના નિદાન અને સારવારની પદ્ધતિ અમલમા મૂકીને, પ્રજાજનોને સ્વસ્થ જીવનશૈલી આપવાની પહેલ કરી છે, જે સરકારની સંવેદનશીલતા દર્શાવે છે તેમ જણાવતા પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે, વ્યક્તિની બદલાયેલી જીવનશૈલીને સમજી તેના બદલાવની દિશામા વિચાર કરવાનો સમય આવી ગયો છે તેમ જણાવ્યુ હતુ.
પ્રાસંગિક વક્તવ્ય દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળ ગાવિતે પ્રાકૃતિક ખેતીની હિમાયત કરીને, પ્રજાજનોને શુદ્ધ હવા, પાણી અને ખેત ઉત્પાદનોની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો હતો. દેશી ગાય આધારીત ખેતી અપનાવીને પ્રાકૃતિક ખેતી અને જીવનશૈલી અપનાવવાની અપીલ કરતા પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે ‘કોરોના’ જેવી મહામારીમાંથી પ્રેરણા મેળવીને પ્રજાજનોને વેળાસર ‘વેક્સિન’ લઈને કોરોના જેવી સંભવિત મહામારીથી પોતાના અને તેમના પરિવારજનોને સુરક્ષિત કરવાની પણ અપીલ કરી હતી.
વ્યક્તિની બદલાયેલી જીવનશૈલીને કારણે અનેક રોગોનો તે શિકાર થઈ રહ્યો છે, ત્યારે જાણે-અજાણ્યે પ્રજાજનોને પજવતા રોગોનુ સમયસર નિદાન અને સારવારની દરકાર લેવાનુ કામ, વર્તમાન રાજ્ય સરકારે કર્યુ છે તેમ જણાવતા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે તન અને મનની તન્દુરસ્તી માટે સૌને સહિયારા પ્રયાસો કરવાની હિમાયત કરી હતી.
પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરતા ધારાસભ્ય શ્રી પટેલે જનકલ્યાણની અનેકવિધ યોજનાઓ અમલી બનાવીને રાજ્ય અને કેન્દ્ર સરકારે સૌના કલ્યાણની ભાવના વ્યક્ત કરી છે તેમ ઉમેર્યુ હતુ.
આહવાના ડાંગ દરબાર હોલ ખાતે આયોજિત ‘નિરામય ગુજરાત’ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે મંત્રીશ્રી સહિત ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના અધ્યક્ષા શ્રીમતી હેતલબેન ચૌધરી, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી નિલમ પટેલ, ભાજપા પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર, તાલુકા/જિલ્લાના હોદ્દેદારો, પદાધિકારીઓ, લાભાર્થીઓ, કલેક્ટર શ્રી ભાવિન પંડયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એન.ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર શ્રી પી.એ.ગામીત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરી, પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જે.ભગોરા વિગેરે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગની ટીમે જહેમત ઉઠાવી હતી. અભારવિધિ ડો.અંકિત રાઠોડે આટોપી હતી.
કાર્યક્રમની શરૂઆતે સ્વાગત વક્તવ્ય રજૂ કરતા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો.ડી.સી.ગામીતે હવેથી દર શુક્રવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ‘નિરામય દિવસ’ની નિયમિત રીતે ઉજવણી હાથ ધરાશે, તેમ જણાવી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. મહાનુભાવોના હસ્તે વિવિધ આરોગ્ય લક્ષી યોજનાઓના લાભાર્થીઓને આરોગ્ય કાર્ડનુ પણ વિતરણ કરાયુ હતુ.