
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર
સુરતની ભૂમિ પરથી માતૃભૂમિ માટે પ્રાણોની આહૂતિ આપનારા વીર શહીદોને ‘વીરાંજલિ’ અર્પણ કરાઈ:
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ: ભવ્ય મલ્ટીમીડિયા શૉ થકી વતનના વિસરાયેલા વીરોની ગાથા જીવંત થઈ:
પ્રખ્યાત કલાકાર સાંઈરામ દવે સહિતના ૧૫૦ જેટલા કલાકારોએ ‘વીરાંજલિ’ કાર્યક્રમ થકી શહીદોની અમરગાથા સંગીતમય શૈલીમાં રજૂ કરી,
વિરાંજલિ કાર્યક્રમો રાષ્ટ્રભક્તિની જ્યોત પ્રજ્વલિત કરવાનો પ્રેરણાસ્ત્રોત બનશે: ગૃહ રાજ્યમંત્રીશ્રી
સુરત: રમત-ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગરના ઉપક્રમે સરસાણા કન્વેન્શન હોલ ખાતે વીરાંજલિ સમિતિ દ્વારા દેશના સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનારા વીર ક્રાંતિકારી શહીદોને સુરતની ભૂમિ પરથી ‘વીરાંજલિ’ અર્પવામાં આવી હતી.
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં શહીદોની શહાદતની ગાથાને વર્ણવતા ‘વીરાંજલિ’ કાર્યક્રમમાં પ્રખ્યાત સાહિત્યકારશ્રી સાંઈરામ દવે સહિતના ૧૫૦ જેટલા કલાકારોએ ભવ્યાતિભવ્ય મલ્ટીમીડિયા શૉ થકી વતનના વિસરાયેલા વીરોની ઝાંખી રજૂ કરી હતી. ઈ..સ.૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામથી લઈ શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને અંગ્રેજોએ ફાંસીના માંચડે ચઢાવ્યા ત્યાં સુધીની ઐતિહાસિક તવારીખને પ્રતિભાશાળી કલાકારોએ તખ્તા પર જીવંત કરી હતી.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે નાગરિકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના અને સંસ્કારો ઉજાગર થાય એવા ઉદ્દેશ સાથે વીર ક્રાંતિવીરોની અજાણી અને દિલધડક વાતો વીરાંજલિ કાર્યક્રમમાં માણવા મળે છે. દેશ માટે ફાંસીના તખ્તા પર ચડી જનારા અમર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના જીવનચરિત્રને જાણવા અને માણવાનો આ અવસર છે. મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે વિરાંજલિ કાર્યક્રમો રાષ્ટ્રભક્તિની જ્યોત પ્રજ્વલિત કરવાનો પ્રેરણાસ્ત્રોત બનશે. માતૃભૂમિ માટે બલિદાન આપનારા એવા વીર સપૂતોની વંદનાનો આ કાર્યક્રમ સુરતવાસીઓ માટે દેશભક્તિનો લ્હાવો બન્યો છે, ત્યારે નવી પેઢી દેશના શહીદોએ આપેલા બલિદાન અને આઝાદીના સંગ્રામના ભવ્ય ઈતિહાસને ભૂલે નહીં એ જરૂરી છે એમ ઉમેર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી પ્રવિણભાઈ ઘોઘારી અને કાંતિભાઈ બલર, જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, શહેર સંગઠન અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા, સ્થાયી સિમિત ચેરમેન પરેશભાઈ પટેલ, નાટકના દિગ્દર્શક શ્રી વિરલ રાચ્છ, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકા લાઠીયા સહિત કોર્પોરેટરો અને જાગૃત્ત રાષ્ટ્રવાદી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.