
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યૂઝ ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ જિલ્લાના સર્વાંગી વિકાસની દિશામાં વધુ એક પગલું, બે રસ્તાઓનું ધારાસભ્ય વિજય પટેલના હસ્તે ખાતમુહર્ત:
નાનીદાબદર–મોટીદાબદર અને દરા ફળિયા રોડથી વિકાસના દ્વાર ખુલશે:
રસ્તા, પાણી અને શિક્ષણ ક્ષેત્રે વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ: વિજય પટેલ
દિનકર બંગાળ, ડાંગ: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ ડાંગના ધારાસભ્ય વિજય પટેલની ઉપસ્થિતમા ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા હસ્તકના વઘઈ તાલુકાના નાનીદાબદર ગામે ઇમરજન્સી વર્ક વર્ષ ૨૦૨૫-૨૬ યોજના અંતર્ગત નાનીદાબદર મોટીદાબદર નાનાપાડા રોડ જે રૂપિયા ૨૦૦ લાખ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત નાનીદાબદર ગામથી દરા ફળિયા તરફનો રસ્તો રૂપિયા ૭૦ લાખ જે કુલ મળી રૂપિયા ૨૭૦ લાખના ખર્ચે નિર્મિત થનાર કુલ ૨ રોડનું ખાતમુહર્ત કર્યું હતું.
સૌના સહિયારા પ્રયાસો અને સાથ સહયોગથી ડાંગની પ્રાથમિક જરૂરિયાતના તમામ કાર્યો પૂર્ણ કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરતાં વિજય પટેલે, ડાંગ જિલ્લાના થઈ રહેલા સર્વાગિણ વિકાસનો ખ્યાલ આપ્યો હતો.
સ્થાનિક લોકો દ્વારા રસ્તાની માંગણીઓને ધ્યાને રાખી સરકારમાં રજુઆત કરી આ તમામ મહત્વના તેમજ લોક ઉપયોગી રસ્તાઓનું ખાતમુહર્ત કરાયું છે. જે રસ્તાઓ સ્થાનિક લોકો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે તેમ વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું.
વર્તમાન સરકાર દ્વારા ડાંગ જિલ્લામાં રસ્તા, પાણી, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે તેમ શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાઇન, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ચંદરભાઈ ગાવિત, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી સુભાષભાઈ ગાઈન, સહિત પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા પંચાયતના, પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આ રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને ખુબ જ ઉપયોગી સાબીતરૂપ થશે. તેમજ મુસાફરો માટે સુરક્ષિત તથા આરામ દાયક વાહન વ્યવહાર થઇ શકશે.



