મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ જિલ્લાના વિવિધ વિકાસકામોની સમીક્ષા હાથ ધરતા પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લાના વિવિધ વિકાસકામોની સમીક્ષા હાથ ધરતા પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ:

સને ૨૦૨૫/૨૬ ના વર્ષના જિલ્લા આયોજન મંડળના કુલ ૬૦૦ લાખના કામોનું આયોજન મંજુર કરાયુ:

દિનકર બંગાળ, વઘઈ : ડાંગ જિલ્લામાં ચાલી રહેલા વિકાસકામો સમય મયાદામાં પૂર્ણ થાય, અને દરેક કામો તેના નીતિનિયમો મુજબ ગુણવત્તાયુક્ત થાય તેની વિશેષ તકેદારી રાખવાની અમલીકરણ અધિકારીઓને તાકીદ કરતા પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ, રાજ્ય સરકાર ડાંગના વિકાસ કામોની સતત ચિંતા કરી રહી હોય ત્યારે આવા કામો સત્વરે પૂર્ણ કરવાની સંબંધિતોને સુચના આપી હતી.

ડાંગના જિલ્લા આયોજન મંડળના સને ૨૦૨૫/૨૬ના અંદાજીત રૂપિયા ૬૦૦ લાખના વિકાસ કાર્યોને મંજુર કરતા મંત્રીશ્રીએ સને ૨૦૨૨/૨૩ અને ૨૦૨૪/૨૫ના કામોની સમીક્ષા હાથ ધરી, સાંપ્રત સમયને ધ્યાને લેતા વિકાસ કામો તેની નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે ખુબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતું.

વિકાસ કામોની ઝીણવટભરી સમીક્ષા કરતા મંત્રીશ્રીએ અમલીકરણ અધિકારીઓને વ્યક્તિગત અને સામુહિક વિકાસકામો તથા યોજનાઓમાં પારદર્શિતા જળવાઈ રહે તેનો ખ્યાલ રાખવાની પણ સુચના આપી હતી. ફેર દરખાસ્તના કામો પણ સવેળા રજૂ કરવાની મંત્રીશ્રીએ સુચના આપી હતી. તાલુકાઓમાંથી રજૂ થતા વિકાસ કામોમાં સ્થાનિક ધારાસભ્યશ્રી સહિતના પદાધિકારીઓને પણ વિશ્વાસમાં લઈ, પરસ્પર પરામર્શ બાદ કાર્યો રજૂ કરવાની પ્રભારી મંત્રીશ્રીએ અપીલ કરી હતી.

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે પ્રાથમિક જરૂરિયાતના કામોનો આયોજન મંડળમાં, અને અન્ય બાકી કામોને અન્ય સદર/યોજનાઓમાં સમાવી સર્વગ્રાહી આયોજનની હિમાયત કરી હતી.

શ્રી પટેલે વિકાસ કામો બાબતે સૌ પદાધિકારીઓની સહમતી અને સહભાગિતા ઉપર ભાર મૂકી, ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોગ્ય કાર્યોમાં સ્થાનિક પદાધિકારીઓને આમંત્રિત કરવાની કાર્યપ્રણાલી હાથ ધરવા અનુરોધ કર્યો હતો.

દરમિયાન અમલીકરણ અધિકારીઓને બેઠકમાં રજુ કરવામાં આવતી વિગતો ચોકસાઈ સાથે રજુ કરવા, અને કોઈ પણ કામ બેવડાઈ નહિ તે સુનિશ્ચિત કરવાની અધ્યક્ષ સ્થાનેથી તાકીદ પણ કરવામાં આવી હતી.

બેઠકની કાર્યવાહી નિવાસી અધિક કલેકટર શ્રી એસ.બી.તબિયાર તથા જિલ્લા આયોજન અધિકારી સુશ્રી સ્મિતાબેન પટેલે સંભાળી હતી.

આહવાના જિલ્લા સેવા સદન ખાતે આયોજિત જિલ્લા આયોજન મંડળની આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ-વ-આયોજન મંડળના ઉપાધ્યક્ષ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, ત્રણેય તાલુકા પંચાયતોના પ્રમુખશ્રીઓ સહિતના પદાધિકારીઓ, સમિતિ સભ્યો, આમંત્રિતો, આયોજન મંડળની આર.જે.ડી. કચેરી-સુરતના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી એસ.એસ.લેઉઆ, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है