
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
લશ્કરી ભરતીમાં પસંદગી પામી તાપી જિલ્લાને ગૌરવ અપાવતા 15 નવયુવાનો:
ભરતીમાં પસંદગી પામેલ તમામ નવયુવાનો પોતાના ગામના યુવાનોને પણ પ્રોત્સાહિત કરે : જિલ્લા કલેક્ટરશ્રી આર.જે.હાલાણી
વ્યારા: તાપી જિલ્લાના યુવાનો માત્ર જિલ્લાનું જ નહીં, પરંતુ રાજ્ય તથા દેશનું ગૌરવ પણ વધારી રહ્યા છે. જિલ્લામાં હવે લશ્કરી ભરતીમાં પસંદગી પામનાર યુવાનોનો રેશિયો વધી રહ્યો છે. આવી ભરતીઓને પાસ કરવા માટે યુવાનો શિસ્તબદ્ધ રીતે માનસિક અને શારિરીક ફિટનેસ જાળવીને સતત અને સખત મહેનત કરતા હોય છે અને જેના ફળ સ્વરૂપ આ વખતે જિલ્લામાંથી ગત વર્ષ કરતા બે ગણા એટલે કે 15 યુવાનો લશ્કરી ભરતીમાં પસંદગી પામેલ છે. લશ્કરી ભરતીમાં પસંદગી થયા બાદ તાપી જિલ્લા કલેક્ટરશ્રી આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં તમામ યુવાનોનો સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદાર, અધિક કલેક્ટરશ્રી બી.બી વહોનીયા તથા જિલ્લા રોજગાર અધિકારી એન.ડી.ભીલ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીએ આ પ્રસંગ નિમિત્તે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અગાઉ જિલ્લામાં 7 જેટલા યુવાનો લશ્કરી ભરતીમાં જોડાયા હતા અને આ વખતે બે ગણા યુવાનો ભરતીમાં પસંદગી પામ્યા છે તે ખરેખર સરાહનીય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પસંદગી પામેલ યુવાનોએ જે રીતે શારીરિક અને માનસિક રીતે પોતાને તૈયાર કરી ભરતીમાં પાસ થયા છે તે જ રીતે તેઓ પોતાના ગામના યુવાનોને પણ ભરતીમાં જોડાવા માટે મદદ કરે અને પ્રોત્સાહન આપે.
જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદારે પણ આ પ્રસંગે યુવાનોને શુભકામનાઓ પાઠવી હતી અને સાથે જણાવ્યું કે, તેઓની મહેનતના કારણે જ તેઓ ભરતીમાં પસંદગી પામેલ છે છતાં તેઓ પોતાના હોદ્દા પર રહી આગળની તૈયારી કરી ઓફીસર રેન્ક સુધી પહોંચવાના પ્રયાસ કરે. વધુમાં તેમણે જણાવ્યું કે, જે રીતે જિલ્લાના યુવાનોનો રેશિયો લશ્કરી ભરતી તથા અન્ય ભરતીઓમાં પણ વધી રહ્યો છે તે જ રીતે હું ઇચ્છું છું કે મહિલાઓ પણ આવી ભરતીઓમાં જોડાય અને સરકારની 33 ટકા મહિલા અનામતનો લાભ લે. તે જરૂરી છે એમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા રોજગાર અધિકારી એન.ડી.ભીલ તથા કચેરી સ્ટાફ દ્વારા અથાગ પ્રયાસ કરીને સંરક્ષણ દળોમાં ભરતી પસંદગી માટેની તમામ પ્રક્રિયા સફળતા પૂર્વક પાર પડે તે માટે યુવાનોને સતત માર્ગદર્શન પુરુ પાડી છેવાડાના યુવાનો સુધી સંદેશ પહોંચાડી સરકાર દ્વારા અપાતી તાલીમનો લાભ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ભરતીમાં પસંદગી પામેલ તમામ યુવાનોને તા.19.02.2021ના રોજ જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે પુષ્પગુચ્છ અને શુભેચ્છાપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લામાંથી લશ્કરી ભરતી તથા અન્ય કોઈ ભરતીમાં પસંદગી પામેલ યુવાનોને જિલ્લા તંત્ર હંમેશા પ્રોત્સાહિત કરે છે જેથી તેઓ પણ બીજા યુવાનો માટે માર્ગદર્શક બને અને દેશની સુરક્ષા અને સલામતી માટે હંમેશા ખડેપગ રહેવાની ભાવના રાખે.
પસંદગી પામેલ 15 યુવાનોમાંથી 11 જેટલા યુવાનો માત્ર સોનગઢ તાલુકાના જ છે. વધુમાં 4 જેટલા યુવાનો તો સોનગઢ તાલુકાના કિકાકુઈ ગામના જ છે. જે સમગ્ર તાપી જિલ્લા સહિત સોનગઢ અને કિકાકુઈ ગામ માટે પણ ગૌરવની બાબત છે. આ ગામમાંથી સુનિલભાઈ એચ. ગામીત, જયદિપભાઈ જે. ગામીત, અજયભાઈ એ. ગામીત અને વિલીયમભાઈ જે. ગામીત BSFમાં કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામેલ છે. તે સિવાય સોનગઢ તાલુકાના ઉકાઈથી હર્ષલભાઈ સી. ગામીત અને વડદાના સુનિલભાઈ એસ. ગામીત પણ BSFમાં કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામેલ છે. આછલવાથી વિષ્ણુભાઈ આર. ગામીત અને માંડળના અતુલભાઈ આર. ગામીત CRPF કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામેલ છે. ઉકાઈથી દિપ એ. ટેલર ભારતીય વાયુ સેનામાં ગૃપ Y નોન ટેક્નીકલ અને ગૌરવ એફ. ગામીત CISF- કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામેલ છે. ઉચ્છલ તાલુકાના ડેવિડભાઈ એસ. ગામીત SSB- કોન્સ્ટેબલ અને થુટી ગામના મિનેશભાઈ કે. ગામીત ITBP- કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામેલ છે. તથા વ્યારા તાલુકાના ખુર્દી ગામના અંકિતકુમાર આર. ગામીત અને વાલોડના પ્રકાશભાઈ વી. ચૌધરી CRPF-કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામેલ છે. આ યુવાનોએ તાપીનું નામ વધુ એક વખત ગૌરવાંવિત કર્યુ છે.