
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
ધિરાણમાં ૧૩.૫૮ ટકાના વધારા સાથે બનાવાઇ નવી યોજના:
ખેતી માટે રૂા.૪૦,૨૪૫ લાખ અને ટર્મ લોન રૂા. ૧૬,૫૭૮ લાખ તથા લઘુ-મધ્યમ ઉદ્યોગો માટે રૂા.૭,૧૨૧ લાખની કરાઇ જોગવાઇ:
રાજપીપલા :- નાબાર્ડ દ્વારા કોરોનાના કારણે બજારમાં ઉભી થયેલી નાણા કીય ક્રાયસીશ અને ધિરાણની અછતને ધ્યાને રાખીને રૂ.૯૧,૦૮૪ લાખના તૈયાર કરાયેલ પોટેન્શિયલ ક્રેડિટ પ્લાનનું જિલ્લા કલેક્ટરશ્રી ડી. એ. શાહના હસ્તે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે વિમોચન કરાયું હતું, જેમાં ક્રૃષિ માટે રૂ.૪૦,૨૪૫ લાખ અને ટર્મ લોન માટે રૂ.૧૬,૫૭૮ લાખ તથા લઘુ-મધ્યમ ઉદ્યોગો માટે રૂ. ૭,૧૨૧ લાખની જોગવાઇ કરવામાં આવી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ખેતીવાડી ક્ષેત્રનાં ધિરાણો અને નાના તેમજ મધ્યમ કદના ઉદ્યોગો માટે ધિરાણમાં ૧૩.૫૮ ટકાના વધારા સાથે નાબાર્ડ દ્વારા આ પોટેન્શિયલ ક્રેડિટ પ્લાન જાહેર કરાયો છે.
નાબાર્ડના જીલા વિકાસ પ્રબંધક શ્રી અનંત વર્દમે જણાવ્યું હતું કે, નાબાર્ડ દ્વારા સ્થાનિક જરૂરિયાતોને ધ્યાન રાખીને પોટેન્શિયલ ક્રેડિટ પ્લાન બનાવાતો હોય છે, બેન્કોને ધિરાણ માટે નાણાંની કમી ન રહે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવતું હોય છે. પ્રાયોરીટી સેક્ટર એટલે કે ખેતીવાડી અને લઘુ તેમજ મધ્યમ કદના ઉદ્યોગોને નાણાં ધિરાણ માટે બેન્કોને નાબાર્ડ તરફથી ક્રેડીટ ફાળવીએ છીએ. નાબાર્ડ દ્વારા ચાલુ વર્ષના ક્રેડિટ પ્લાનમાં ૧૩.૫૮ ટકાનો વધારો કરાયો છે.
નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રબંધક શ્રી અનંત વર્દમ લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજરશ્રી શ્રી ગોવિંદભાઇ પ્રજાપતિ અને નાણાંકીય સલાહકારશ્રી પ્રતાપભાઇ બારોટની ઉપસ્થિતિમાં ગઇકાલે ઉક્ત પોટેન્શિયલ ક્રેડિટ પ્લાનનાં યોજાયેલા વિમોચન પ્રસંગે શ્રી વર્દમે જણાવ્યું હતું કે સને ૨૦૨૧-૨૨ ના વર્ષનો નાબાર્ડનો પ્લાન જાહેર કરાયો છે. આગામી દિવસોમાં અમારી અન્ય યોજનાઓ પણ જાહેર કરવામાં આવનાર છે. જેમાં અમારૂ લક્ષ્ય પ્રાયોરીટી સેક્ટરનું રહેશે, તેમ શ્રી વર્દમે ઉમેર્યુ હતું.