શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં રસીકરણ ઝુંબેશ: વહીવટીતંત્ર દ્વારા ઠેરેઠેર રસીકરણ અને જનજાગૃતિ કેમ્પોનું આયોજન:
જીલ્લામાં અત્યાર સુધી ૯૭૩૫૬ નાગરિકોએ કોરોના પ્રતિરોધક રસી લીધી:
વ્યારા : તાપી જિલ્લામાં કોરોના સંક્રમણ વધતુ અટકાવી તેની સામે તકેદારી રાખવા માટે લોકોને જાગૃત કરવા વહીવટીતંત્ર દ્વારા ઠેરેઠેર રસીકરણ અને જનજાગૃતિ કેમ્પોનું આયોજન કરીને લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. વહીવટી અને આરોગ્યતંત્ર દ્વારા માઇક્રો પ્લાનીંગ કરીને જિલ્લામાં ખાસ કરીને બોર્ડર વિસ્તારના તાલુકાઓમાં રસીકરણની કામગીરી વેગવાન બનાવવામાં આવી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હર્ષદ પટેલે આપેલ વિગતો મુજબ આજ દિન સુધી ૯૭૩૫૬ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી છે. જે પૈકી વ્યારા તાલુકામાં ૨૪૦૨૧, ડોલવણ ૧૨૦૮૮, વાલોડ ૧૩૭૪૮, સોનગઢમાં ૨૬૬૯૦, ઉચ્છલમાં ૮૫૯૧, નિઝરમાં ૭૭૧૯, કુકરમુંડામાં ૪૪૯૯ લોકોએ રસીનો લાભ લીધો છે. આમ અત્યાર સુધીમાં કુલ-૯૭૩૫૬ નાગરિકોએ કોરોના પ્રતિરોધક રસીનો પહેલો ડોઝ લઇ કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું છે.
* સાથે આ સમાચાર પણ વાંચો..
આજરોજ તાપી જિલ્લામાં કલેક્ટરશ્રી આર.જે.હાલાણીએ વ્યારા સ્થિત જનરલ હોસ્પિટલ ખાતે PCR લેબોરેટરીનું ઉદઘાટન કર્યુ હતુ. આ લેબની શરૂઆત થતા અત્યાર સુધી કોવિદ-૧૯ના જે સેમ્પલો સુરત મોક્લવામાં આવતા હતા તે હવેથી જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે રોજના ૫૦૦ ટેસ્ટ (RT- PCR) કરી શકાશે. કલેક્ટરશ્રીએ જિલ્લાની જનતાને ઉકત સુવિધાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.