શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લોકોને વેક્સિન અંગે જાગૃત કરવાની ઝૂંબેશમાં મળી રહી છે સફળતા:
જિલ્લામાં અત્યાર સુધી 98 હજાર લોકો વેક્સિનનો ડોઝ લઈ ચુક્યા છે,
વ્યારા : તાપી જિલ્લામાં કોરોનાને જડમૂળથી સમાપ્ત કરવામાં માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સંભવત તમામ કોશિશો કરવામાં આવી રહી છે. જિલ્લાના નાગરિકો તરફથી પણ તંત્રને સારો પ્રતિભાવ/સાથ સહકાર મળી રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી 98 હજાર લોકો વેક્સિનનો ડોઝ લઈ ચુક્યા છે અને તેઓ અન્ય લોકોને પણ વેક્સિન લેવા માટે સૂચનો કરી રહ્યા છે. જિલ્લા તંત્ર કોરોનાની ગતિને કાબૂ કરવા માટે આયોજનબદ્ધ રીતે કામગીરી કરી રહી છે. કોરોનાના કપરાકાળમાં જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણી નાગરિકોને સતત સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરી માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા માટે સુચનો કરતા આવ્યા છે.
વર્તમાન સમયમાં તાપીના પ્રત્યેક તાલુકામાં વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. લોકો પણ હવે જાગૃત થઈ રહ્યા છે કે ખરેખર વેક્સિન સુરક્ષિત છે અને કોરોના સામે સુરક્ષા કવચ સમાન છે. જિલ્લા વહિવટી તંત્ર સક્રિયપણે પોતાની ફરજ બજાવી રહ્યા છે. નિઝર તાલુકાના વેલ્દા અને રુંમકીતલાવ ખાતે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ દૂધ મંડળના સભાસદો અને ત્યાના લોકોને વેક્સિન બાબતે જાગૃત કર્યા જેનાથી ગ્રામજનોએ સ્વૈછિક રીતે વેક્સિનનો ડોઝ લીધો હતો. કુકરમુંડાના બોરીકુવા ખાતે શિક્ષક, આશા વર્કર, આંગણવાડી વર્કર તથા FHW તથા તાલુકા વિકાસ અધિકારીએ ગામના લોકોને વેક્સિન અંગે સમજ પુરી પાડી હતી. વધુમાં વાલોડ તાલુકના કહેરમાં સરપંચ, તલાટી, આશાવર્કર, આંગણવાડી વર્કર, FHW તથા તાલુકા વિકાસ અધિકારીએ વેક્સિન અંગે લોકોને સમજ પુરી પાડી હતી. આવી જ રીતે સમગ્ર જિલ્લામાં ઠેર-ઠેર વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે અને લોકોને વેક્સિન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે અને લોકો તરફથી સકારાત્મક પ્રતિભાવ મળી રહ્યા છે.