શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા:
ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી-૨૦૨૧, જિલ્લો ડાંગ :
ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને ડાંગ જિલ્લામા અનધિકૃત સભા/સરઘસ ઉપર પ્રતિબંધ ;
ડાંગ, આહવા: આગામી તા.૧૯મી ડિસેમ્બરે રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે સંદર્ભે અમલી આદર્શ આચાર સંહિતા, અને કાયદો તથા વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે જિલ્લામા અનધિકૃત સભા/સરઘસ ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.
ડાંગના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભાવિન પંડ્યા દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર આ ચૂંટણી દરમિયાન ઉમેદવારો કે તેમના સમર્થકો, રાજકીય પક્ષો વિગેરે દ્વારા યોજાતી સભા, સરઘસો માટે નિયમોનુસાર જરૂરી પરવાનગી મેળવવી આવશ્યક છે. અનધિકૃત રીતે સભા/સરઘસ ઉપર પ્રતિબંધ હોય,
કોઈ પણ વ્યક્તિએ સક્ષમ અધિકારીની પરવાનગી વિના કોઈ સભા કે સરઘસ કાઢવા નહીં,
ઉમેદવારી પત્રો ભરવા કે ઉમેદવારી પત્રોની ચકાસણીમા કે ચૂંટણી પ્રતિકની ફાળવણીની પ્રક્રિયામા હાજરી આપવા માટે, ચૂંટણી અધિકારીની કચેરીમા જાય ત્યારે મોટા સરઘસ સ્વરૂપે જવુ નહીં,
જ્યા કોઈ એક ઉમેદવાર કે પક્ષે સભા યોજી હોય એવા સ્થળોએ બીજા પક્ષે સરઘસ લઈ જવુ નહી, કે ખલેલ પહોંચાડવુ નહી,
ચૂંટણીની સભા, સરઘસ અને રેલીમા સ્થાનિક કાયદા અને અમલમા હોય તેવા પ્રતિબંધાત્મક હુકમને આધીન ધ્વજ, બેનર્સ, કે કટઆઉટ રાખી શકાશે. ઉમેદવારે કે પક્ષે પૂરા પાડેલ ટોપી, માસ્ક, સ્કાર્ફ, વિગેરે પહેરી શકાશે. પરંતુ પક્ષે પૂરા પાડેલ સાડી, શર્ટ જેવા મુખ્ય વસ્ત્રો પહેરી શકાશે નહીં,
આ હુકમ, લગ્નના વરઘોડા, સિનેમા/ટાઉન હૉલ, સ્મશાન યાત્રા, એસ.ટી.બસ કે રેલ્વે, મંદિર/મસ્જિદ કે દેવળમા પ્રાર્થના વિગેરે જેવા શુદ્ધ હેતુ માટે જતી વ્યક્તિઓ તથા સક્ષમ અધિકારીની સભા/સરઘસ બાબતની પરવાનગીથી યોજાતી સભા/સરઘસમા જતી વ્યક્તિઓને પણ લાગુ પડશે નહીં.