
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સ્વ.એહમદ પટેલે નર્મદા જિલ્લાનાં દેડીયાપાડા તાલુકાના વાંદરી ગામને દત્તક લીધું હતું. આઝાદી સમય થી વિકાસથી વંચિત એવું ગામ નર્મદા જિલ્લાના અંતરિયાળ ડેડિયાપાડાના વાંદરી ગામને દત્તક લઈ પ્રાથમિક સુવિધાઓથી પુરી પાડી હતી.દેડીયાપાડા ના વાંદરી ગામના ખેડૂતો વર્ષો પેહલા આકાશી ખેતી પર નભતા હતા, અને વર્ષમાં ફક્ત એક જ સીઝનમાં પાક લઈ શકતા હતા. જે એહમદ પટેલે દત્તક લીધા બાદ ગામમાં સિંચાઇની સુવિધાઓમાં સારા પ્રમાણમાં વધારો થતા ખેડૂતોએ વિવિધ રોકડીયા પાક થકી સક્ષમ થયા હતા. સ્થાનિક ગ્રામજનોની મંડળી દ્વારા જ ચેકડેમ સહિત કૂવાનું ખોદકામ અને ચણતર કરાતા સ્થાનિકોને જ રોજગારી મળી રહી હતી. વધુમાં સોલાર, આંગણવાડી, બાલમંદિર, સહિત એ વિસ્તારમાં રોડ રસ્તા પુલ, ચેકડેમ પણ ત્યાં બનાવાયા હતા.
એહમદ પટેલે પોતે દત્તક લીધેલા નર્મદા જિલ્લાના વાંદરી ગામની મુલાકાતે પહેલી વાર પહોંચ્યા ત્યારે રસ્તાઓના પણ ઠેકાણા નહોતા, તેઓ પોતાની કારમાંથી ઉતરી ઉનાળાના ભર તડકામાં 5 – 6 કિ.મી.ચાલીને ગામ લોકોની મુલાકાત કરી હતી એમના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા. હાલમાં વાંદરી ગામની કાયા પલટ થઈ ગઈ છે. એહમદ પટેલના નિધનના સમાચારથી “વાંદરી” ગામ લોકોમાં શોકની લાગણી છવાઈ છે.એહમદ પટેલે નર્મદા જિલ્લાનું “વાંદરી” ગામ દત્તક લીધા બાદ ગામના બાળકોની ભવિષ્યની ચિંતા કરી એહમદ પટેલ પોતાની ગ્રાન્ટ માંથી દર વર્ષ ત્યાંના બાળકોને, શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ કરાતા હતા.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે એહમદ પટેલની HMP ફાઉન્ડેશન દ્વારા ચાલતી હોસ્પિટલમાં હજારો આદિવાસી દર્દીઓને વિના મૂલ્યે સારવાર અપાતી હતી. ”વાંદરી” ગામની સાથે સાથે એ વિસ્તારના અન્ય ગામો પણ વિકાસની કેડીએ દોટ મૂકી હતી, એહમદ પટેલ અવાર નવાર “વાંદરી” ગામની સ્થિતિ બાબતે સ્થાનિક આગેવાનો સાથે ટેલિફોનિક ચર્ચાઓ પણ કરતા હતા.
આમ તો નેતાઓ પહેલેથી જ વિકાસ કામ ચાલી રહ્યું હોય એવા જ ગામોને દત્તક લે છે, પણ એહમદ પટેલે આઝાદી બાદ પણ વિકાસ ઝંખતું એવું નર્મદા જિલ્લાનું અંતરિયાળ “વાંદરી” ગામ દત્તક લીધું હતું. અંતરીયાળ વિસ્તારના એ ગામમાં વિકાસ કરી તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડનાર એહમદ પટેલને વર્ષ 2018 માં NMD ન્યુઝ નેટવર્ક દ્વારા “નર્મદા રત્ન” એવોર્ડ પણ એનાયત કરાયો હતો.
કોરોના મહામારીમાં સરકારે અચાનક લોકડાઉન જાહેર કર્યું હતું, દરમિયાન રોજગારીના અભાવે આદિવાસીઓ માટે કપરી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ બાબત એહમદ પટેલને ધ્યાને આવતા એમણે “વાંદરી” ગામ લોકોને 4 મહિના સુધી ચાલી રહે એટલી માત્રામાં અનાજ કીટ પહોચાડી હતી.