શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન કુમાર
રાજ્ય સરકાર મફત સુવિધા આપે છે. જેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ..- ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા
વાલોડ તાલુકાના કલમકુઈ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગોલણ ગામે સબ સેન્ટર તથા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો:
વ્યારા: તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કલમકુઈ ગામે આજરોજ રૂા.૧૦૧.૬૫ લાખના ખર્ચે નિર્માણ પામેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગોલણ ગામે રૂા.૨૪.૦૫ લાખના ખર્ચે સબ સેન્ટર તથા રૂા.૧૪ લાખના ખર્ચે સાકાર થયેલ ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
કલમકુઇ ખાતે આરોગ્યની સુવિધા ધરાવતા પ્રકલ્પને ખુલ્લુ મુકતા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે, આરોગ્યની સુવિધા આપવાનું ભગિરથ કાર્ય આપણાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉપાડ્યું છે ત્યારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે તમામ પ્રકારની આરોગ્યની સુવિધા લોકોને નિ:શુલ્ક મળી રહે તે માટેનું સઘન આયોજન કર્યું છે. તેમ જણાવી સૌ ગ્રામજનો વતી રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે કોવિડના સમયમાં આરોગ્ય વિભાગના ભગિરથ કાર્ય કરનારા ડોકટરો અને નર્સ સહિત આરોગ્ય વિભાગના સ્ટાફની કામગીરીને બિરદાવી હતી. તેમણે કોરોના મહામારીમાં ત્રીજી લહેરની શક્યતાને વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે ત્યારે દરેક ગ્રામજનો કોરોના પ્રતિરોધક વેક્સિન લઇ કોરોના સામેના જંગમાં સહકાર આપે અને દરેક ગામમાં સો ટકા વેક્સિનેશન થાય તે માટે અનુરોધ કર્યો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદભાઈ પટેલે લોકોને જણાવ્યું હતું કે, આરોગ્યની ચિંતા કરનાર રાજ્ય સરકારે ખૂબ જ ઓછા સમયમાં આરોગ્યની સેવાઓ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કર્યા છે. જે આપણા સૌના માટે આનંદની વાત છે. અહીં આજુબાજુના ૭ ગામોને તેનો લાભ મળશે.
ગોલણ ગામે રૂા.૨૪.૦૫ લાખના ખર્ચે સબ સેન્ટર અને રૂા.૧૪ લાખના ખર્ચે તૈયાર થયેલ ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત ભવનમાંથી લોકોને વિવિધ દાખલાઓ વિગેરે પંચાયતી સેવાઓનો લાભ મળી રહેશે.
લોકાર્પણના આ પ્રસંગે વાલોડ તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રેશભાઈ કોંકણી, મહામંત્રી પંકજભાઈ ચૌધરી, આરોગ્ય સમિતિ અધ્યક્ષ સોનલબેન પાડવી, કારોબારી અધ્યક્ષ મોહનભાઈ કોંકણી, સિંચાઈ સમિતિ અધ્યક્ષ ભૂપેન્દ્રભાઈ ગામીત, એપીએમસી.વાઈસ ચેરમેન ઉદયભાઈ દેસાઈ, મદદનીશ આરોગ્ય અધિકારી ડૉ.પાઉલ વસાવા, ડૉ.કે.ટી.ચૌધરી, ડૉ.નિકુંજ ચૌધરી, ડૉ.તરલિકા ચૌધરી, કલમકુઈ સરપંચ ઉષાબેન ચૌધરી, ગોલણ સરપંચ શકુંતલાબેન, સહિત ગ્રામજનો અને આરોગ્ય વિભાગના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.