શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જળવાયુ પરિવર્તન વિષય ઉપર ખેડૂત વૈજ્ઞાનિક ચર્ચા કાર્યક્રમ યોજાયો:
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા પુરસ્કૃત તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે સ્થિત છે. સદર કેન્દ્ર ખાતે તારીખ ૨૮/૦૯/૨૦૨૧ના રોજ આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ખેડૂત વૈજ્ઞાનિક ચર્ચા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં તાપી જિલ્લાના કુલ ૧૯૦ ખેડુતભાઇ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રો, આરતી એન. સોની વૈજ્ઞાનિક (ગૃહવિજ્ઞાન) દ્વારા સ્વાગત પ્રવયન કરી કાર્યક્રમનું મહત્વ સમજાવવામાં આ વ્યુ હતું. વધુમાં તેમણે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીના ભાગરૂપે મહિલાઓને આહાર અને પોષણ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ જલશક્તિ અભિયાનને અનુલક્ષીને જળ બચાવવા આહલેક જગાવી હતી. ડૉ. અર્પિત જે ઢોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ દ્વારા બદલાતા વાતાવરણને કારણે કૃષિક્ષેત્રે થતી માઠી અસરો વિશે તેમજ કૃષિ ક્ષેત્રે નવીનતમ ટેક્નોલોજીઓના ઉપયોગ અંગે વિસ્તૃતમાં છણાવટ કરી હતી. પ્રો. કે. એન. રણા, વૈજ્ઞાનિક પાક ઉત્પાદન) દ્વારા ખેડૂતોને બદલતા વાતાવરણને અનુકૂળ પાક વ્યવસ્થાપન તેમજ વિવિધ પાકોની વાતાવરણને અનુકૂળ નવી વિકસાવેલ જાતો વિશે મુદ્દાસર માહીતી આપવામાં આવી હતી. ડૉ, ધર્મિષ્ઠા એમ. પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા ખેડૂતોને જુદા જુદા બાગાયતી પાકોમાં પાક વ્યવસ્થાપન તેમજ બાગાયત ક્ષેત્રે ટપક સિંચાઈ પદ્ધતિ અને આવરણ પદ્ધતિનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ડો. જીગર બુટાણી, વૈજ્ઞાનિક (પશુ વિજ્ઞાન )એ વાતાવરણમાં આવતા બદલાવની પશુપાલન ક્ષેત્રે અસરો અને તેમાટે લેવાતી તકેદારીઓ વિશે તથા તાપી જિલ્લામાં વાવણી લક્ષી ઉપયોગી ઘાસચારા પાકોની માહિતી આપી હતી. ડૉ. સેલ કે. ચાવડા, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) દ્વારા વાતાવરણ બદલાવી ડાંગર અને ભીંડાના પાકમાં જોવા મળતા રોગ જીવાત માટે સંકલિત રોગ-જીવાત વ્યવસ્થાપન વર્ણવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ખેડૂતોએ માનનીય પ્રધાનમંત્રીશ્રી નો લાઈવ પ્રોગ્રામ ઉત્સાહ પૂર્વક નિહાળ્યો હતો . કાર્યક્રમના અંતે ખેડૂતોની સમસ્યાઓ નિવારવા ખેડુત- વૈજ્ઞાનિક ચર્ચામાં પ્રશ્નોતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તેમજ આભારવિધી વિસ્તરણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ. અર્પિત જે, ઢોડિયા દ્વારા કરવામાં આવી હતી.