
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
સાપુતારા પોલીસનું ‘ઓપરેશન મિલાપ’ સફળ, ગુમ થયેલી બે દીકરીઓ કલાકોમાં શોઘી પરિવાર સાથે મિલાપ:
દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાના સુંદર પહાડી વિસ્તારોમાં આવેલા સાપુતારા વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા પ્રશંસનીય, સતર્ક અને માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું છે. ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત સાપુતારા પોલીસ મથકના પી.આઈ. પી.ડી. ગોંડલિયા અને તેમની કુશળ ટીમે ગણતરીના થોડા જ કલાકોમાં હોસ્ટેલમાંથી ગુમ થયેલી બે સગીર વિદ્યાર્થિનીઓને શોધી કાઢી તેમના પરિવાર સાથે ભાવુક અને સુખદ પુન:મિલન કરાવ્યું હતું.
વિગતો મુજબ, સાપુતારા પોલીસ સ્ટેશન હદમાં આવેલી એક હોસ્ટેલમાં ધોરણ-૯માં અભ્યાસ કરતી બે દીકરીઓ કોઈપણ વ્યક્તિને જાણ કર્યા વગર અચાનક જ હોસ્ટેલમાંથી નીકળી ગઈ હતી. આ અચંબિત કરી દે તેવી ઘટના સામે આવતા હોસ્ટેલની ગૃહમાતાએ તરત જ પોલીસને જાણ કરતાંની સાથે જ પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું.
પ્રારંભિક તબક્કે દીકરીઓના સગા-સંબંધીઓ, ઓળખીતાઓ તથા આસપાસના ગામોમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ સુત્રો દ્રારા કોઈ ચોક્કસ માહિતી ન મળતા ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતા ધ્યાનમાં લઈ પોલીસે તાત્કાલિક બહુદિશાત્મક રણનીતિ અપનાવી અલગ-અલગ ટીમો ગઠિત કરી ટેક્નિકલ સર્વેલન્સ, મોબાઇલ ટ્રેકિંગ તેમજ વિશ્વસનીય માનવ સૂત્રોની મદદથી શોધખોળ તેજ કરવામાં આવી હતી.
આ સતત પ્રયાસોનું ફળ સાપુતારા પોલીસને મળ્યું અને બંને બાળાઓ સાપુતારાના પ્રખ્યાત રોઝ ગાર્ડન વિસ્તારમાંથી સુરક્ષિત હાલતમાં મળી આવી હતી. પોલીસે તત્કાળ તેમને કસ્ટડીમાં લઈ સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન પર લાવવામાં આવી હતી. ત્યારબાદ શી-ટીમ દ્વારા માતા-પિતાની હાજરીમાં સહાનુભૂતિપૂર્વક પૂછપરછ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પૂછપરછ દરમિયાન બાળાઓએ સ્વીકાર્યું કે હોસ્ટેલનું વાતાવરણ તેમને અનુકૂળ લાગતું ન હોવાથી તેઓ કોઈને જાણ કર્યા વગર બહાર નીકળી ગઈ હતી. પોલીસ દ્વારા તેમની માનસિક સ્થિતિને સમજતા યોગ્ય કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને પ્રેરણાત્મક સમજ આપવામાં આવી હતી. અંતે, તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બંને દીકરીઓને તેમના માતા-પિતાને સોંપી દેતા પરિવારજનોમાં આનંદ અને રાહતનો માહોલ સર્જાયો હતો.
સાપુતારા પોલીસની આ ઝડપી, જવાબદાર અને સંવેદનશીલ કામગીરીને સ્થાનિક લોકો દ્વારા પણ ખૂબ પ્રશંસા મળી રહી છે.


