શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,માંગરોળ કરુનેશભાઈ
ઝાંખરડા સહિત માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં કૃષિ વીજલાઇનના તારની વારંવાર થતી ચોરીથી ખેડૂતો પરેશાન.
ચાર ગામનાં 60 જેટલા ખેડૂતોએ આગેવાનો સાથે વીજ કંપની અને પોલીસ તંત્રને રજૂઆત કરી.
માંગરોળ તાલુકાના ઝાંખરડા,બોરસદ,દેગડીયા,ડુંગરી સહિતના ગામોમાં વારંવાર કૃષિ વીજ લાઈનના વીજતારની ચોરી થઈ જતા મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોએ આગેવાનો સાથે વીજકંપનીના અધિકારી અને પોલીસ તંત્રને રજૂઆત કરી સમસ્યાનું નિરાકરણ કરવા માંગ કરી છે.
માંગરોળ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ ઈદ્રીશભાઈ મલેક અને આદિવાસી સમાજના આગેવાન ઉત્તમભાઈ વસાવાના નેતૃત્વ હેઠળ ચાર ગામના ૬૦ જેટલા ખેડૂતોએ વીજ કંપની માંગરોળ કચેરીએ જઈ ફરજ ઉપરના નાયબ કાર્યપાલક ઇજનેર નિલેશભાઈ ચૌધરીને લેખિત રજૂઆત કરી હતી.જેમાં હાલમાં ઝાખરડા ગામની સીમમાંથી કેટલાક વીજપોલ ઉપરથી વીજતારોની ચોરી થઈ છે પરંતુ વીજ-કંપનીના જવાબદાર અધિકારી અથવા પોલીસતંત્ર દ્વારા વીજળીના તારની ચોરી સંદર્ભમાં કોઇ કાર્યવાહી થઇ નથી.જેને કારણે ચોરી ઇસમોને ચોરીનું મોકળું મેદાન મળી ગયું છે. જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. વર્ષ 2019 માં પણ આ જ રીતે ૧૦થી વધુ ગામોમાં કૃષિ વીજલાઈનનાં વીજતારની ચોરીઓ થઈ હતી પરંતુ આજદિન સુધી ગુનેગારો પકડાયા નથી. ત્યારે ફરી એકવાર આ વર્ષે ઝાખરડા ગામથી વીજતારની ચોરીની શરૂઆત થઈ છે.વીજતાર ચોરી થયાનાં ઘણા દિવસો વીતી ગયા છતાં વીજ કંપની અને પોલીસતંત્ર દ્વારા કોઇ કાર્યવાહી થઇ નથી.જેથી ચાર ગામના ખેડૂતો દ્વારા યોગ્ય કાર્યવાહી ચોર ઇસમો વિરુદ્ધ કરવામાં આવે તેમજ ખેડૂતોને સમયસર વીજ પુરવઠો મળે એ માટે ફરી વીજપોલ ઉપર વીજતાર નાખવામાં આવે તેવી રજૂઆત વીજ કંપનીના અધિકારી સમક્ષ કરવામાં આવી છે.વધુમાં ખેડૂતોએ માંગરોળના પો.સ.ઇ.પરેશકુમાર નાયી ને રૂબરૂ મળી ચોર ઈસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆત આગેવાનોએ કરી છે અને હાલ ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ તેમણે આ ચોરીની સમસ્યા અંગે નક્કર કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.