
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપલા :- કામકાજનાં સ્થળે મહિલાઓની જાતિય સતામણી (પ્રતિબંધ, અટકાવ અને નિવારણ) અધિનિયમ-૨૦૧૩ હેઠળ કે જ્યાં ૧૦ કરતા ઓછી સંખ્યા હોય તેમને પણ સદરહુ કાયદો લાગુ પડશે.
આ અધિનિયમની કલમ ૪(૧) મુજબ આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત કરવાની રહે છે. કામકાજનાં સ્થળો જેવા કે સરકારી, અર્ધસરકારી કે સરકારની સહાયથી ચાલતી સંસ્થાઓ કે તેની શાખાઓ, સહકારી સંસ્થાઓ, તમામ ખાનગી ક્ષેત્રની કંપનીઓ, ઓફિસો, કારખાનાઓ, ટ્રસ્ટો કે બિનસરકારી, સેવા આપતી સંસ્થાઓ, શૈક્ષણિક અને સ્વાસ્થ સેવાઓ આપતી સંસ્થાઓ, મનોરંજન આપતી સંસ્થાઓ, પેઢીઓ, હોસ્પિટલ અને નર્સિંગ હોમ, રમતગમત સંકુલો અને તાલીમ આપતી સંસ્થાઓને લાગુ પડશે. તદઉપરાંત, અસંગઠિત ક્ષેત્રમાં સેવા આપતા, ઉત્પાદન કરતા કે વેચાણ કરતા સેલ્ફ એમ્પ્લોઇડ કામદારો કે એવા કામના સ્થળો જ્યાં કામદારોની સંખ્યા ૧૦ કરતા ઓછી હોય તે તમામને આ કાયદો લાગુ પડશે.
તેવી જ રીતે આંતરિક ફરિયાદ સમિતિની રચના કાયદાની કલમ-૪ મુજબ કામના સ્થળે કામે રાખનાર દરેકે “આંતરિક ફરિયાદ સમિતિની રચના” કરવાની રહેશે. આ સમિતિના મુખ્ય અધિકારી સ્ત્રી હોવી જોઈએ અને ઓછામાં ઓછા ૫૦% સભ્યો સ્ત્રી હોય તે જરૂરી છે. તેમાં ઓછામાં ઓછી એક સભ્ય એવી સ્વૈચ્છિક સંસ્થામાંથી હોય કે જેને જાતિય સતામણીના કેસમાં કામ કરવાનો અનુભવ હોય. આ બાબતોને ધ્યાનમાં લઈ આંતરિક ફરિયાદ સમિતિની રચના થયેલ હોય તો, અથવા આંતરિક ફરિયાદ સમિતિની રચના કરીને, તે અંગેની માહિતી “નોડલ ઓફિસર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી, નર્મદાની કચેરી જિલ્લા સેવા સદન, રાજપીપલા” ખાતે ટપાલથી તથા ઈ-મેલ wco-wcd-nar@gujarat.gov.in પર મોકલી આપવાની રહેશે.
વધુમા આ અધિનિયમની જોગવાઈઓનું ઉલંઘન કરવા બદલ અધિનિયમની કલમ ૨૬(ગ) મુજબ રૂા.૫૦૦૦૦/- (અંકે રૂપિયા પચાર હજાર પુરા) સુધીનો દંડ થવા પાત્ર છે. જે અંગેની નોંધ સબંધિતોએ લેવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી રાજપીપલા-જિ. નર્મદાતરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.