
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગે રંગાયો ડાંગ જિલ્લો : ‘ભારત માતા કી જય’ના નારાથી ગુંજી ઉઠ્યું આહવા નગર:
ભારતીય સેનાના સન્માન માં આહવા શહીદ સ્મારક થી વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે ‘તિરંગા યાત્રા’ને ફ્લેગ ઓફ કરાવ્યું:
ભારતીય સેનાએ અદ્દભૂત શૌર્ય સાથે પાકિસ્તાનના ઘરમાં ઘુસીને આતંકવાદીઓનો ખાત્મો કર્યો:
મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના શહીદ સ્મારક થી ફુવારા સર્કલ, સાપુતારા ચોકડી થી ગાંધી ઉધ્યાન સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને વિધાનસભા નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે વાસુર્ણાં રાજવી શ્રી ધનરાજસિંહ સુર્યંવંશીએ જણાવ્યું હતું કે, આજે ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો સહિત સમગ્ર દેશના લોકો ભારતના જવાનોની વિરતાને બિરદાવી રહ્યાં છે.
આહવામાં યોજાઇ રહેલ ભારતીય જવાનોના શોર્યની ગાથા વર્ણવતી આ તિરંગા યાત્રા પણ આપણને એકતાના સૂત્રમાં બાંધી રાખીને રાષ્ટ્રહિત પ્રથમના ભાવને જાળવી રાખવાનો અવસર પ્રદાન કરે છે. સાથે જ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે દુનિયાને બતાવી દીધું છે કે ઝીરો ટોલરન્સ અગેઈન્સ્ટ ટેરરિઝમની નીતિને તે કોઈપણ ભોગે વળગી રહેવા પ્રતિબદ્ધ છે.
ડાંગ જિલ્લા ભાજપા પ્રભારી મંત્રી શ્રી રાજેશભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાએ અદ્દભૂત શૌર્ય સાથે ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધરી પાકિસ્તાનના ઘરમાં ઘુસીને આતંકવાદીઓના અડ્ડાઓ પર મિસાઈલ વરસાવી સેંકડો આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે. ‘ઓપરેશન સિંદૂર’ ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે. ભારતીય સેનાએ પહલગામમાં આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. વિશ્વ આખું ભારતના સૈન્ય અને એર ફોર્સની ક્ષમતા અને બહાદુરીથી અચંબિત થઈ ગયા છે.
બહેનોના માથેથી સિંદૂર ઉજાડનાર આતંકીઓના બર્બર કૃત્યનો બદલો લેવાનું વડાપ્રધાનશ્રીએ દેશને આપેલુ વચન ભારતીય સેનાએ શૌર્ય અને વીરતા સાથે પૂર્ણ કર્યું છે, આતંકવાદીઓને પાળીપોષી રહેલા પાકિસ્તાન પર પ્રહાર કરીને ભારતીય સેનાએ પોતાની અમાપ શક્તિ અને સામર્થ્યનો દુનિયાને પરિચય કરાવ્યો છે.
ભારતીય જવાનોની વીરતા કાજે, આહવા નગરમાં યોજાયેલ તિરંગા યાત્રામાં દેશભક્તિનો નારો ગુંજી ઊઠ્યો હતો.
આ યાત્રામાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, સુબિર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવિનાબેન ગાવિત સહિતના જિલ્લા અને તાલુકાના સદસ્યો સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.