
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુણેશ ચૌધરી
માંગરોળ તાલુકાના વેલાછા ગામે ડિસ્ટ્રીક્ટ કો. ઓપ. બેન્કનું ATM તોડી રૂ.૮.૬૮ લાખની ચોરી:
બેન્ક નજીક પાર્ક કરેલી ઇકો ગાડી અને રોકડ સહિત કુલ રૂ.૧૧,૧૮,૦૦૦ ચોરી કરી:
માંગરોળ તાલુકાનાં વેલાછા ગામે રાત્રી દરમિયાન ઇકો કારમાં આવેલા તસ્કરોએ કારમાં પંચર પડતા બેન્ક નજીક પાર્ક કરેલ ઇકો કારની ઉઠાંતરી કરી ડિસ્ટ્રીક્ટ બેન્કના એટીએમને ગણતરીની મિનિટોમાં ગેસ કટરથી કાપીને રૂ.૮.૬૮ લાખની રોકડની ચોરી કરી હતી.રોકડ ભરેલા બોક્સ બેન્કથી ૧૦૦ મીટરના અંતરે ફેંકીને ફરાર થઈ ગયા હતા, તસ્કરો જે ઇકો કારમાં આવ્યા હતા એ રોડની સાઈડ પરથી મળી આવી હતી.ઇકો કારમાં પંચર પડ્યું હોવાથી તસ્કરોએ બેન્ક નજીક પાર્ક કરેલી અન્ય ઇકો કારની ઉઠાંતરી કરી હતી.
વેલાછા ગામની આ ડિસ્ટ્રીક્ટ બેંકમાં આગાઉ પણ તસ્કરોએ ગેસકટરથી એટીએમમા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, જો બેન્ક સંચાલકોએ આ ઘટનાને ગંભીરતાથી લીધી ન હતી. સુરક્ષાગાર્ડનાં અભાવને કારણે તસ્કરોએ ગણતરીની મિનિટોમાં જ આ ઘટનાને અંજામ આપ્યો હતો, સફેદ કલરની મારુતિ ઇકો, એટીએમ મશીનને નુકશાન અને રોકડ સહિત કુલ રૂ.૧૧,૧૮,૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં, આ વિસ્તારમાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે, સુરત ગ્રામ્ય વિસ્તારમા ચોરી, લૂંટ ચેન સ્નેચિંગ, ચીલઝડપ અને અસામાજિક તત્વોનો ઉપદ્રવ વધ્યો છે જે પોલીસ માટે પડકારજનક છે, ચોરીની સમગ્ર ઘટના બેંકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.