રાષ્ટ્રીય

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ભીમપુરા ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા ભીમપુરા ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ: 

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત નવી દિલ્હી અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જીલ્લામાં વ્યારા ખાતે કાર્યરત છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા અને સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન, સોનગઢના સંયુકત ઉપક્રમે સોનગઢ તાલુકાના ભીમપુરા ગામે તા.૦૮ માર્ચ, ૨૦૨૨ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. સદર કાર્યક્રમમાં સોનગઢ તાલુકાના વિવિધ ગામની કુલ ૧૦૬ આદિવાસી ખેડૂતમહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય વિષય ‘મહિલા સશકિતકરણ’ હતો. 

કાર્યક્રમની શરૂઆતમાં સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન, સોનગઢ દ્વારા ઉપસ્થિત સર્વેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડયાએ ઉપસ્થિત સર્વે મહિલાઓને વિશ્વ મહિલા દિનની શુભેચ્છા પાઠવી હતી અને તેમણે કેવીકે, તાપી ખાતે ખેતી, પશુપાલન અને ગૃહવિજ્ઞાન વિષયલક્ષી મેળવેલ વિવિધ તાલીમ દ્વારા આદિવાસી મહિલા સશકિતકરણના ઉદાહરણ સ્વરૂપ પ્રગતિશીલ મહિલાઓની જીવનગાથા પ્રસ્તૃત કરી મહિલાઓને કેન્દ્ર ખાતે વધુમાં વધુ માર્ગદર્શન મેળવવા પર ભાર મૂકયો હતો.

કેવીકે, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો.આરતી એન. સોનીએ મહિલા સશકિતકરણ ઉપર ભાર મૂકતા જણાવેલ કે સમાજમાં મહિલાઓની સ્થિતિ સુધરે તે માટે ત્રણ બાબતો મહત્વની છે- મહિલાઓનું આર્થિક સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્ય. વધુમાં, તેમણે સ્ત્રી શિક્ષણ, વ્યસનમુક્તિ, સિકલસેલ એનીમિયા જાગૃતિ તથા મહિલાઓની ખેતીકાર્યમાં શ્રમ ઘટે તેવા ઓજારોની સવિસ્તાર માહિતી આપી હતી. કેન્દ્રના બાગાયત વિભાગના વૈજ્ઞાનિક ડૉ.ધર્મિષ્ઠા એમ. પટેલએ મહિલાઓને જૈવિક ખાતરના મહત્વ વિષે સમજ આપી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બનાવેલ નોવેલ ઓર્ગેનિક લિકવિડ ન્યુટ્રીઅન્ટના ફાયદા અને વાપરવાની પધ્ધતિ વિષે ટેકનીકલ માહિતી આપી હતી. ત્યારબાદ કેવીકે, વ્યારાના પશુવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. જે. બી. બુટાણીએ પશુઓમાં દૂધ ઉત્પાદન વધારવા પર ભાર મૂકી પશુઆહાર વ્યવસ્થાપન વિષે વિસ્તૃતમાં માર્ગદર્શન પૂરું પાડયું હતું.

કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા ઉપસ્થિત અધિકારીશ્રીઓના હસ્તે પાંચ પ્રગતિશીલ મહિલાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે પ્રોત્સાહન માટે તેમને બાયોર્ટીલાઈઝર તરીકે નોવેલ ઓર્ગેનિક લિકવિડ ન્યુટ્રીઅન્ટની ૧ લિટરની બોટલ પણ આપવામાં આવી હતી. વધુમાં, સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન, સોનગઢ દ્વારા પ્રગતિશીલ મહિલાઓને પ્લાસ્ટિક કેરેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના વૈજ્ઞાનિકશ્રીઓ પ્રો.આરતી એન. સોની, ડૉ.ધર્મિષ્ઠા એમ. પટેલ અને ડૉ. જે. બી. બુટાણીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં.

કાર્યક્રમમાં જે.કે.પેપર લિ.ના શ્રીમતી રુપમ મિતલ, શ્રીમતી રેશ્મા વૈદ્ય અને સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન, સોનગઢના શ્રી મધુકર વર્મા, શ્રી જીજ્ઞેશ ગામીત, શ્રી જીતેન્દ્ર પાલ તથા અન્ય સ્ટાફ મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા મહત્વનું યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના અંતે સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના અધિકારીશ્રી મધુકર વર્માએ આભારવિધિ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है