
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
મહાલની એકલવ્ય સ્કુલમા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહિતના જનપ્રતિનિધીઓનો સેવાયજ્ઞ :
વરસાદી પાણી ભરાવાને કારણે સ્કુલ બિલ્ડીંગમા ભરાયેલા કાદવ, કિચડને ઉલેચતા જનપ્રતિનિધિઓ :
આહવા : ડાંગ જિલ્લામા પડી રહેલા ભારે વરસાદને પગલે મહાલ ખાતેની ‘એકલવ્ય રેસિડેન્સિયલ મોડેલ સ્કુલ’ના કેમ્પસ અને બિલ્ડીંગમા પણ, વરસાદી પાણી સાથે કૂડો, કચરો, કાદવ, કિચડ ભરાઈ જવા પામ્યા હતા.
રાજય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આ શાળા વરસાદને લઈને અસરગ્રસ્ત થતા, તાત્કાલિક આહવાથી પ્રાયોજના વહિવટદાર શ્રી કે.જે.ભગોરા સહિત તેમની ટીમ, અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ તથા તેમની ટીમ મહાલ ખાતે ધસી ગયા હતા.
જ્યાં શાળાના પટાંગણ તથા બિલ્ડીંગમા ભરાયેલા કૂડા, કચરા, કાદવ, કિચડને ઉલેચીને અંહીના નિવાસી છાત્રોને સધિયારો પૂરો પાડયો હતો.
ઉલ્લેખનિય છે કે, મહાલની એકલવ્ય સ્કુલ ખાતે ૨૭૪ જેટલા છાત્રો નિવાસની સુવિધા સાથે અભ્યાસ કરી રહ્યા છે. જે પૈકી કેટલાક છાત્રોને તેમના વાલીઓ પોતાના ઘરે લઈ ગયા છે. જ્યારે હાલમા આ શાળા ખાતે અંદાજીત સો જેટલા બાળકો નિવાસ કરી રહ્યા છે.
શાળામા ઉદભવેલી સ્થિતિને કારણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપરના ફર્નિચર સહિત શૈક્ષણિક સામગ્રી, રસોડાની સામગ્રી ગાદલા, ગોદડા વિગેરેને નુકશાન થવાનો પ્રાથમિક અંદાજ છે.
ધારાસભ્ય વિજયભાઈ પટેલના આ સેવાકાર્યમા ભાજપા મહામંત્રી શ્રી રાજેશભાઈ ગામીત, સામાજિક કાર્યકર શ્રી રમેશભાઈ ગાંગુર્ડે તથા સ્થાનિક કાર્યકરો, સરપંચ અને તેમના સાથી મિત્રો, સુબિર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તથા તેમની ટીમ, એકલવ્ય શાળા પરિવાર, અને પ્રાયોજના વહિવટદાર શ્રી કે.જે.ભગોરા તથા તેમની ટીમે જોડાઈને, શ્રમદાન કર્યું હતું.