
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ:
શહેરના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા પરંપરા અને પ્રકૃતિના સંગાથે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઈ:
પર્યાવરણ બચાવો, આદિવાસી બચાવો સંદેશ સાથે સુરતમાં વિશ્વ આદિવાસી દિન ઉજવણીઃ
આદિવાસી નવયુવાનો દ્વારા “પર્યાવરણ બચાવો” અને “આદિવાસી બચાવો”ના નારા સાથે થીમ આધારિત નાટક રજૂ કરાયુઃ
હજારો આદિવાસીઓની હાજરીમાં સુરતમાં ભવ્ય રેલી યોજાઇઃ
ગ્રામીણ ટુડે ન્યુઝ: સુરત શહેર સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘ ઘોષિત ૯ ઑગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી ભવ્ય રીતે યોજાઈ હતી. વસ્તા ૧૨ જ્ઞાતિ મંડળના અગ્રણીઓ તથા વિવિધ આદિવાસી એસોસિએશનો પરંપરાગત વેશભૂષા અને કુદરતી વાજિંત્રો સાથે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલીનું પ્રસ્થાન કર્યું હતું. રેલીમાં કોકણી, ઘોડીયા, ચૌધરી, ગામીત, રાઠવા તેમજ ભીલ સમાજના પરંપરાગત વાજિંત્રોની રજૂઆતથી માહોલ ગુંજી ઉઠ્યો હતો. ડીજેનો ઉપયોગ કર્યા વિના માત્ર કુદરતી વાજિંત્રોના લય અને સુરથી રેલી આગળ વધી હતી.
રેલી દરમિયાન નવયુવાનો દ્વારા “પર્યાવરણ બચાવો” અને “આદિવાસી બચાવો”ના નારા સાથે થીમ આધારિત નાટક રજૂ કરાયું હતું. જેમાં વિકાસ થકી પર્યાવરણને નુકસાન કર્યા વગર પ્રગતિ કરવાની દિશામાં સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ શહેરમાં લીલો અને સુકો કચરો અલગ કરવાનો સંદેશ તથા જાતિના દાખલા સંદર્ભે માર્ગદર્શન આપતું નાટક પણ રજૂ કરાયું હતું. સમાજના હક અને અધિકારો અંગે જાગૃતિ લાવવા માટે જુદા-જુદા હેન્ડબેનરો પ્રદર્શિત કરાયા હતા.
આ ભવ્ય રેલીમાં આશરે ૭૦૦૦થી વધુ લોકો જોડાયા હતા. ઉપરાંત જોઈન્ટ પોલીસ કમિશ્નર કે.એન. ડામોર (IPS) તથા નિવૃત જોઈન્ટ પોલીસ કમિશ્નર એચ.આર. ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. પ્રકૃતિ પૂજા બાદ ધો.૧૦ અને ૧૨માં સફળ થયેલા વિદ્યાર્થીઓને પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા. સમાજના ઉત્થાન માટે આર્થિક સહયોગ આપનાર આગેવાનોને શાલ અને સન્માનપત્ર એનાયત કરાયા હતા.
અઠવા પાર્ટી પ્લોટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાના બાળકો દ્વારા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરાઈ હતી. સમગ્ર આયોજન નવયુવાનો દ્વારા શિસ્તબંધ રીતે, સ્વયંસેવકોના સહકારથી પૂર્ણ કરાયું હતું.
આ અવસરે સમાજના અગ્રણીઓ કાંતિભાઈ કુન્બી, જે.બી. પવાર, પ્રફુલભાઈ પટેલ, અંકિતભાઈ પટેલ, નિરવભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, નિતિનભાઈ ચૌધરી સહીત ૧૨ જેટલાં સમાજ જ્ઞાતિ મંડળના પ્રમુખો સહિત મહિલા એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.