શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
એક સમયના રાજકીય ગુરૂ-ચેલા સામ સામે ચૈતર વસાવાએ કહ્યું MLA મહેશ વસાવા મેદાન છોડી દેશે..?
ચૈતર આવશે તો વૈશાખ અમારી સાથે વાવાઝોડાની જેમ આવશે અમને ચૂંટણી લડતા કોઈ રોકી શકે નહિ:- છોટુભાઈ વસાવા
મહેશ વસાવાએ ઉમેદવારી કરવી હશે તો ભાજપ અથવા કોંગ્રેસનો સાથ લેવો પડશે, તેઓ દ્વિધામાં છે કે ડેડિયાપાડા માંથી ઉમેદવારી કરે કે નહિ:- ચૈતર વસાવા
નર્મદા: ગુજરાત વિધાનસભા ચુંટણીને લઈને હાલ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારોની પસંદગી કરી રહ્યા છે. હાલમાં જ BTP એ 12 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી છે, જેમાં 148 નાંદોદ વિધાનસભા માટે રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ સરાદભાઈ વસાવાના નામની જાહેરાત કરી છે. તો બીજી બાજુ ડેડિયાપાડા અને ઝઘડિયા બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત ન કરતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કોંગ્રેસ સાથે ગઠબંધનના એંધાણ પણ દુર દુર સુધી દેખાતા નથી.
લોક ચર્ચા મુજબ ડેડિયાપાડા બેઠક પર એક સમયના મહેશભાઇ વસાવાના જ અંગત ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર થયા છે. એટલે BTP માટે એ બેઠક જીતવી અઘરી હોવાથી વર્તમાન ધારાસભ્ય મહેશભાઈ વસાવા બેઠક બદલે એવી સંભાવનાઓ છે. થોડાં દિવસો અગાઉ જ ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીની જંગી જાહેરસભા યોજાઇ હતી, એ જોઈ ભાજપ- કોંગ્રેસ- અને BTP ચિંતામાં મૂકાઈ ગયા હતા.ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અમારી સભા જોઈ BTP ના ધારાસભ્ય મહેશભાઇ વસાવા મેદાન છોડી દેશે.જો મહેશભાઇએ અહીંયાથી ઉમેદવારી કરવી હશે તો ભાજપ અથવા કોંગ્રેસનો સાથ લેવો પડશે.તેઓ પોતે એવી દ્વિધામાં છે કે ડેડિયાપાડા માંથી ઉમેદવારી કરે કે નહિ.
બીજી બાજુ BTP ના રાષ્ટ્રીય સંયોજક ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે જો ચૈતર આવશે તો વૈશાખ અમારી સાથે વાવાઝોડાની જેમ આવશે, અમને ચૂંટણી લડતા કોઈ રોકી શકે નહિ. ચૂંટણી નહિ લડવાની ચર્ચાઓ વચ્ચે છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે હું જીવીશ ત્યાં સુધી ચુંટણી લડીશ. હજુ પણ હું 100 કિમી ચાલી શકું એટલો ફીટ છું. આમ આદમી પાર્ટીને RSS એ પ્રોજેકટ કરી છે. ભાજપને લોકો ચાહતા નથી એટલે બીજા સત્તા ન લઈ જાય એટલા માટે ગુજરાતમાં “આપ” ને ઉતારી છે. ભાજપ અને આમ આદમી પાર્ટી એક જ છે, એનો પુરાવો એ છે કે સ્વામી વિવેકાનંદ ફાઉન્ડેશનમાં અજિત ડોવાલ, રાજનાથસિંહ અને અરવિંદ કેજરીવાલ સભ્ય છે.
છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે શિક્ષણ મફત આપવું એ તો સંવિધાનમાં લખ્યું છે, વીજળી તો આદિવાસી વિસ્તારમાંથી પેદા થાય છે એટલે લોકોને આ બધું મફત આપવું જ જોઈએ. દિલ્હીમાં ભલે મુખ્યમંત્રી ભગવત માંન હોય પણ બધા નિર્ણય તો પ્રભારી રાઘવ ચડ્ડા લે છે, ગુજરાતમા જો આમ આદમી પાર્ટી આવી તો અહીંયા પણ એવું જ થવાનું છે. અમે કોઈ પક્ષ સાથે ગઠબંધન નહીં કરીએ. આ સરકારે જેટલા લોકો સાથે અન્યાય કર્યો છે એમણે પોતાની અલગ પાર્ટી બનાવી લડત આપવી જોઈએ.