શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન કુમાર
યુનોના મહાસચિવ શ્રીયુત એન્ટોનીયો ગુટેરેસનું એકતાનગર ખાતે ભવ્ય સ્વાગત કરાયું;
ગુજરાતની બે દિવસની મુલાકાતે પધારેલા સંયુક્ત રાષ્ટ્ર સંઘના(UNO) મહાસચિવ શ્રીયુત એન્ટોનીયો ગુટેરેસનું એકતાનગર હેલીપેડ ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે તા.૨૦ મી ઓક્ટોબર,૨૦૨૨ ને ગુરૂવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાની ચરણ વંદના કરશે. ત્યારબાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ શ્રીયુત એન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરનમેન્ટ મિશન લાઈફનું લોન્ચિંગ કરશે. આ કાર્યક્રમમાં મહાસચિવ શ્રીયુત એન્ટોનીયો ગુટેરેસ સાથે અન્ય ડેલીગેટ્સ પણ ઉપસ્થિત રહેશે. જેઓ આજે એકતાનગર સ્થિતિ હેલિપેડ ખાતે આવી પહોંચતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેઓશ્રીનું દબદબાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્ર સંઘના (UNO) મહાસચિવશ્રી એકતાનગર ખાતે આવી પહોંચતા સપ્તધ્વની કલાવૃંદ-સુરત દ્વારા ગરબા અને દાંડિયા રાસ, નવયુવક ગ્રુપ નાની દેવરૂપણ અને નવોદય વિકાસ ટ્રસ્ટ નાની દેવરૂપણ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા આદિવાસી નૃત્યો પ્રસ્તુત કરી સ્વાગત કર્યું હતું. ગુજરાતની વૈશ્વિક ઓળખ ધરાવતા ગરબા અને દાંડિયા રાસ નિહાળી ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સામાન નૃત્ય નિહાળીને સંયુક્ત રાષ્ટ્ર સંઘના (UNO) મહાસચિવશ્રી અત્યંત પ્રભાવિત થયા હતા.