શ્રોત ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી એ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડત ગામે આયોજિત કાર્યક્રમ માં લાભાર્થી સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો;
ગુજરાત શાંતિ, સમૃધ્ધિ અને રોજગારી દ્વારા એક “મોડેલ સ્ટેટ” તરીકે દેશમાં ઉભરી આવ્યું છે.-મંત્રીશ્રી બચુભાઇ ખાબડ
તાપી જિલ્લામાં ૨૧૨ વાજબી ભાવની દુકાનો ખાતેથી ગરીબોને વિનામુલ્યે અનાજ વિતરણ કરવામાં આવનાર છે.– -કલેકટરએચ.કે.વઢવાણીયા
વ્યારા-તાપી: –વર્તમાન સરકારના પાંચ વર્ષ પુરા થતા સેવાયજ્ઞ રૂપે તા.૯મી ઓગસ્ટ સુધી લોકકલ્યાણના અનિકવિધ કાર્યક્રમોનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવ્યું છે. જે અન્વયે આજે ડોલવણ તાલુકાના ગડત ખાતે “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ વિના મુલ્યે અનાજ વિતરણનો કાર્યક્રમ ગ્રામ વિકાસ અને પશુપાલનમંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સંવેદનાસભર મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ છેવાડાના વંચિત શોષિત વર્ગોના ઉત્ત્થાન માટે ઐતિહાસિક નિર્ણયો લીધા છે. કોરોના સમયમાં લોકડાઉન લાગુ થતા કોઇ પણ પરિવારને આર્થિક તંગીના લીધે મુશ્કેલી ન પડે તે હેતુથી “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત તમામ જરૂરીયાતમંદ પરિવારોને મફત અનાજ આપવામાં આવ્યું હતું. આજે આ યોજનાના ચોથા તબ્બકાનો પ્રારંભ થતા ગુજરાત સમગ્ર દેશમાં એક ઉદાહરણરૂપ બન્યું છે. ગુજરાતમાં શાંતિ, સમૃધ્ધિ અને રોજગારી છે. જેથી આપણુ રાજ્ય એક મોડેલ રાજ્ય તરીકે દેશમાં ઉભરી આવ્યું છે.
મંત્રીશ્રીએ છેવાડાનો માનવી કદી ભુખ્યો ના રહે તેની ખાસ કાળજી રાખી છે તેમ જણાવી ગરીબ અને પછાત વર્ગોના કલ્યાણ માટે સરકારે અમલી બનાવેલ આવાસ, શિક્ષણ, આરોગ્ય, વિજળી, પાણી, કૃષિ, સિંચાઇ, પશુપાલન સહિતની વિવિધ યોજનાઓ હેઠળ પુરી પડાતી સહાયિત યોજનાઓની જાણકારી આપી હતી.
આ પ્રસંગે કલેકટર એચ.કે.વઢવાણીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ તાપી જિલ્લામાં ૨૧૨ વાજબી ભાવની દુકાનો ખાતેથી ગરીબોને વિનામુલ્યે અનાજ વિતરણ કરવામાં આવનાર છે. જે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ સ્થળોએ Covid-19 ગાઈડલાઈનનું પાલન થાય તેની તકેદારી આપણે સૌએ રાખવાનું જણાવી સંભવિત કોરોનાની ત્રીજી લહેર નો સામનો કરવા માટે સૌને રસીકરણ કરાવી લેવા અનુરોધા કર્યો હતો. તેમણે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળના તમામ કાર્ડ ધારકોને વિના મુલ્યે અનાજ વિતરણ કરાશે. એનએફએસએ યોજનામાં સમાવિષ્ટ કુટુંબોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ પ્રત્યેક વ્યક્તિ દીઠ પાંચ કિલો જેટલું મફત અનાજ જેમાં ૩,૫ કિલો ઘઉં અને ૧,૫ કિલો ચોખા આપવામાં આવશે એમ જણાવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, રાજયના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રીશ્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં અનેક જન ઉપયોગી યોજનાઓનો આરંભ થયો છે. વર્તમાન સરકાર પારદર્શિતા, સંવેદનશિલતા, નિર્ણાયકતા અને પ્રગતિશિલતા ધરાવતી અને ગરીબો, વંચિતો તથા શોષિત માનવીની ચિંતા કરતી સરકાર છે ત્યારે કોરોના સામેની જંગમાં જીત મેળવવા વેક્સિન જ એક ઉપાય છે એમ જણાવી ઉપસ્થિત સૌને કોરોના પ્રતિરોધક રસી લેવા ભારપૂર્વક આગ્રહ કર્યો હતો.
ગડત ખાતે આયોજીત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લાભાર્થી શ્રી જીતેન્દ્રભાઇ ચૌધરી સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીશ્રી એ સંવાદ કરતા કહ્યું હતું કે, તમારા જિલ્લાની કલેકટર કચેરી તો બહુ જ શાનદાર છે. તેમ જણાવી તાપી જિલ્લા સેવાસદનની સરાહના કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના પ્રવચનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને અનાજકિટ વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલે સ્વાગત પ્રવચન તથા ડોલવણ મામલતદાર આર.બી.રાણા દ્વારા આભારવિધી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ.દિનેશકુમાર કાપડિયા, નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી, પ્રાંત અધિકારી હિતેષ જોષી, નર્મદ યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ડૉ.જયરામભાઇ ગામીત, તાલુકા પંચાયત પ્રમુખ બચુભાઇ કોંકણી, પક્ષ પ્રભારી અશોકભાઇ ધોરાજીયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન મોહન કોંકણી સહિત મહાનુભવો તથા લાભાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવી ઉપસ્થિત રહ્યા હતા.