દેશ-વિદેશ

તાપીમાં “રક્તદાન મહાદાન”ની ઉક્તિને સાર્થક કરતા જિલ્લાના રક્તદાનવીરો: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

 “વર્લ્ડ બ્લડ ડોનર ડે” નિમિત્તે સ્પેશ્યલ ખાસલેખ: 

“રક્તદાન મહાદાન”ની ઉક્તિને સાર્થક કરતા તાપી જિલ્લાના રક્તદાનવીરો: 

તાપી જિલ્લામાં ૯૭૭૭ બ્લડ ડોનરો મારફત કુલ-૯૭૭૭ યુનિટ બ્લડ એકત્રીત કરી ૧૧૦૨૯ દર્દીઓને સીધા કે આડકતરી રીતે જીવ બચાવવામાં આવ્યા, 

તાપી જિલ્લામાં સૌથી વધુ કુલ-૧૨૭ વખત બી પોઝીટીવ રક્તદાન કરનાર ધનસુભાઇ યાદવ અને બી નેગેટીવ ગૃપમાં કુલ-૪૮ વખત રાકેશભાઇ કાચવાલા, 

વ્યારા-તાપી:  “વર્લ્ડ બ્લડ ડોનર ડે” લોકોના જીવ બચાવવા અને રક્તદાનનું મહત્વ દર્શાવવા સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઘણા લોકો અજ્ઞાનતાના કારણે રક્તદાન કરતા નથી. પરંતુ રક્તદાન કરતા વધારે મહત્વનું અને પુણ્યદાયી કોઇ કાર્ય નથી. રકતદાનથી અન્યના જીવ બચાવવાની સાથે પોતે પણ સ્વસ્થ રહી શકીએ છીએ. 

નિયમિત રક્તદાન કરવાથી હાર્ટએટેકનું જોખમ ઘટી જાય છે. બ્લડ ડોનરને કાર્ડિયોવેસ્ક્યુલર ડીસીઝ થવાની સંભાવનાઓ33 ટકા જેટલી ઓછી રહે છે.નિયમિતપણે લોહી આપવાથી લિવરની કામગીરી સુધરે છે. લોહીમાં લિપિડની માત્રા ઘટે છે.એક વાર બ્લડ ડોનેટ કરવાથી 650 કેલરી બળે છે. રક્તદાન કરવા જાઓ ત્યારે મિનિ ચેકઅપ થઇ જાય છે. બ્લડપ્રેશર, શુગર, હિમોગ્લોબીન, પલ્સ રેટ જેવું જનરલ હેલ્થસ્ક્રીનિંગ થાય છે તેથી તમે કેટલા સ્વસ્થ છો તે જાણી શકાય છે.

તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના ધનસુખભાઈ યાદવ તાપી જિલ્લામાં સૌથી વધુ કુલ- ૧૨૭ વખત રક્તદાન કરનાર વ્યક્તિ છે. બી પોઝીટીવ બ્લડ ગૃપ ધરાવતા ધનસુખભાઇના વિચારો પણ પોઝીટીવ છે. બ્લડ ડોનેશન અંગે ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે, “સામાન્ય લોકોને મદદ કરવાનો વિચાર આવ્યો તો વ્યારાના અગ્રણિ ડૉ.મહેન્દ્ર કાકાની પ્રેરણાથી મને બ્લડ ડોનેશન કરવાની પ્રેરણા મળી હતી. તેઓની પ્રેરણાથી તાપી જિલ્લામાં પ્રથમ બ્લડ બેંક શરૂ થઇ ત્યારથી હું બ્લડ ડોનેશન કરી રહ્યો છું. આર્થીક પરિસ્થિતી એવી નથી કે હંમેશા કોઇની પૈસેટકે મદદ કરી શકુ. પછી મને વિચાર આવ્યો કે, હુ પોતાના લોહી દ્વારા કોઇની મદદ કરી શકુ તો કેમ ના કરું? તાપી જિલ્લામાં સીકલસેલનું પ્રમાણ પણ વધારે છે. આપણા જિલ્લાના આદિવાસી ભાઇ-બહેનોને રકતદાન અંગે યોગ્ય જાણકારી નથી. આવા સમયે હુ દર ત્રણ મહિને બ્લડ ડોનેશ કરી લોકોની મદદ કરી રહ્યો છું. જેનાથી મને માનવસેવાનો સંતોષ મળી રહ્યો છે. દરેક વ્યક્તિએ બ્લડ ડોનેટ કરવુ જ જોઇએ.”

વર્ષોથી સમાજસેવા સાથે સંકળાયેલા ધનસુખભાઈ જિલ્લાની સૌથી પ્રથમ નાસ્તાની દુકાન શરૂ કરનાર અને સ્વૈચ્છિક સંસ્થા “જય બાબા બર્ફાની”સાથે સંકળાયેલા છે. જેમણે વૈશ્વિક મહામારી કોરોનામાં કોરન્ટાઇન રહેલા લોકો માટે નિ:શુલ્ક ભોજન અને ટીફીન વ્યવસ્થા શરૂ કરી હજારો લોકો માટે મદદનો હાથ લંબાવ્યો હતો. 

નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશનની એક સ્ટડી અનુસાર દુનિયામાં ૯૪.૬૧ લોકો પોઝીટીવ બ્લડ ગૃપ અને ૫.૩૯ ટકા નેગેટીવ બલ્ડ ગૃપ ધરાવે છે. સૌથી વધારે સામાન્ય બ્લડ ગૃપ –ઓ પોઝીટીવ લગભગ ૩૭.૧૨ ટકા લોકોમાં હોય છે. ત્યાર બાદ બી-પોઝીટીવ ૩૨.૨૬ ટકા, એ પોઝીટીવ- ૨૨.૮૮ ટકા અને એબી ૭.૭૪ ટકા હોય છે. સમગ્ર દુનિયામાં ફક્ત ૫૦ જેટલા લોકો આ બ્લડ ગૃપ ધરાવે છે. ત્યાર બાદનેગેટીવ બ્લડ ગૃપમાં ફક્ત ૬ ટકા લોકો એ નેગેટીવ બ્લડ ગૃપ ધરાવે છે. એબી નેગેટીવ બ્લડ ધરાવતા લોકોની ખાસીયત એ છે કે તેમા ફક્ત એંટીજન હોય છે એન્ટીબોડી હોતા નથી. એબી પ્લાસમા અને ઓ નેગેટીવ બ્લડ ગૃપના રેડસેલ યુનિવર્સલી ઉપયોગમા લઇ શકાય છે. આ સિવાય બી નેગેટીવ બ્લડ ગૃપ હોય છે. આ તમામ બાબતોના કારણે પોઝીટીવ બ્લ્ડના કરતા નેગેટીવ બ્લ્ડનું મહત્વ વધી જાય છે.

તાપી જિલ્લામાં સૌથી વખત નેગેટીવ બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિઓમા પ્રથમ કુલ-૪૮ વખત રક્તદાન કરનાર રાકેશ કાચવાલા આ અંગે પોતાના વિચારો જણાવે છે કે, “મેં આજથી ૨૫ વર્ષ પહેલા સૌ પ્રથમ વખત બ્લડ ડોનેટ કર્યું હતું જયારે એક પોલીસ કોન્સ્ટેબલના પત્નિને ડિલીવરી વખતે બ્લ્ડની તાત્કાલીક જરૂર પડી હતી. અને મારા રક્તના કારણે હુ એ બહેનનો જીવ બચાકી શક્યો. આ પણ મારા માટે એટલો પ્રેરણાદાયી હતો કે ત્યારથી આજ દિન સુધી મે રકતદાન કર્યું છે. તમામ યુવાનોને મારી અપીલ છે કે, રક્તદાન કરવાથી કોઇ આડઅસર થતી નથી. રકતદાનથી અનેક લોકોના જીવ બચાવી શકાય છે. દરેક વ્યક્તિએ રક્તદાન કરવું જોઇએ.”

તાપી જિલ્લાના જનક સ્મારક હોસ્પિટલ, ખાતે કાર્યરત એલ.કે.પટેલ-રક્તદાન કેન્દ્રના ડૉ.તેજસ શાહ એ જણાવ્યું હતું કે, વર્ષે ૨૦૨૧-૨૨ દરમિયાન કુલ- ૯૭૭૭ બ્લડ ડોનરો દ્વારા રકત દાન કરવામાં આવ્યું છે. જેના દ્વારા કુલ-૯૭૭૭ યુનિટ બ્લડ એકત્રીત કરવામાં આવ્યું છે. આ રક્ત વડે લગભગ ૧૧૦૨૯ દર્દીઓને સીધા કે આડકતરી રીતે જીવ બચાવવામાં આવ્યા છે. દરરોજ ૩૫ થી ૪૦ યુનિટ બ્લડ એકત્રીત કરવામાં આવે છે. આ ઉપરાંત દર મહિને ૨ થી ૩ રક્તદાન કેમ્પનું આયોજન વિવિધ સ્થળોએ કરવામાં આવે છે. 

તાપી જિલ્લામાં સિકલસેલના દર્દીઓની માત્રા વધારે છે. જેઓને સમયાંતરે રક્તની જરૂર પડતી હોય છે. પરંતું આપણા જિલ્લા માટે ગૌરવની બાબત છે કે જિલ્લામાં ઘણા જાગૃત નાગરીકો છે કે જે રક્તદાતાઓ રૂપે લોકોની મદદ કરવા હંમેશા તત્પર રહે છે. જેથી અન્ય જિલ્લામાંથી રક્ત મંગાવવાની જરૂર પડતી નથી. જેના માટે દરેક રક્તદાતા અભિનંદનને પાત્ર છે.

તાપી જિલ્લાના એલ.કે.પટેલ-રક્તદાન કેન્દ્રના મુખ્ય અધિકારી ડૉ.અરવિંદ પટેલ આ અંગે જણાવ્યું હતું કે, “આદિવાસી જિલ્લો હોવાના કારણે લોકોમા હજી પણ રક્તદાન અંગે અજ્ઞાનતા છે. જેન કારણે લોકો રક્તદાન કરવાથી ખચકાટ અનુભવે છે. ખાસ કરીને કુપોષણની સમસ્યાના કારણે ઘણા દાતાઓ રક્તદાન માટે ક્વોલીફાય થતા નથી. લોકોએ પોતાના મનમાંથી ડર દુર કરી રક્તદાન કરવું જોઇએ. જેથી સીકલસેલ, એઇડસ જેવા રોગો કે જેમા સમયાંતરે રક્તની જરૂર પડતી હોય એ લોકોને મદદ કરી શકીએ.”

દાન કરાયેલા લોહીનું શું થાય છે?

રક્ત મેળવ્યા પછી બ્લડ બેંક તેનો ઉપયોગ સંપૂર્ણ લોહી તરીકે અથવા વિવિધ લોહીના ઘટકો જેમકે લાલ રક્તકણો, પ્લાઝમા, પ્લેટલેટ્સ, ક્રાયોપ્રેસિપિટેટ વગેરેને અલગ અલગ રીતે ઉપયોગમાં લે છે. તેથી બ્લડ બેંકોમાં કમ્પોનન્ટ સુવિધા હોવાથી એક રક્તદાન ૩-૪ દર્દીઓનું જીવન બચાવી શકે છે.દરરોજ દાન કરાતા બ્લડ યુનિટનું બ્લડ ગૃપિંગ અને એન્ટીબોડી સ્ક્રીનીંગ માટે પરીક્ષણ થાય છે. તેમાં ખાસ કરીને પાંચ ફરજિયાત પરીક્ષણો જેમકે એચ.આઈ.વી ૧ અને ૨, હિપેટાઈટીસ બી, હિપેટાઈટીસ સી, સિફીલીસ અને મેલેરિયાના ચેપના પરીક્ષણો થાય છે.જો આ તમામ પાંચ ચેપમાં નેગેટિવ રિપોર્ટ આવેત્યારે જ દર્દી માટે લોહી / લોહીના ઘટકો ઉપયોગમાં લેવામા આવે છે નહીંતર લોહી/લોહીના ઘટકોનો નિકાલ કરી દેવામાં આવે છે.સંપૂર્ણ લોહી અને લાલ રક્તકણો ૨-૬ ડિગ્રી સે. તાપમાને, પ્લાઝમા – ૩૦ ડિગ્રી સે. થી ઓછા તાપમાન અને પ્લેટલેટ્સ ૨૦-૨૪ ડિગ્રી સે. તાપમાને ખાસ સ્ટોરેજ કેબિનેટ્સમાં સંગ્રહિત કરવામાં આવે છે.આ સંગ્રહિત લોહી/લોહીના ઘટકો નિશ્ચિત સમયમાં દર્દીઓને પહોંચાડી દેવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લાના એલ.કે.પટેલ-રક્તદાન કેન્દ્ર, જનકસ્માર્ક હોસ્પિટલ, વ્યારા તથા રેડક્રોશ સોસાયટી, કાળીદાસ હોસ્પિટલ, વ્યારા ખાતે રકતદાન કરી શકાય છે. જેમા જનકસ્માર્ક ખાતે એલ.કે.પટેલ-રક્તદાન કેન્દ્ર ૨૪ કલાક કાર્યરત હોય છે. ફોન નં-૯૯૨૪૩-૮૦૮૮૨ ઉપર સંપર્ક કરી શકો છો.

સમાજ સેવા માટે કંઇક કરવું હોય તો માણસોએ સ્વાર્થવૃત્તિનો ત્યાગ કરી પરમાર્થવૃતિને વિકસાવી અન્યની સેવામાં પરોવાય જવુ જોઇએ. રક્તદાનથી ફક્ત દર્દીને જ નહિ પરંતુ દર્દી ઉપર નિર્ભર પુરા પરિવારની સાથે પુરા સમાજને મદદ કરીશકાય છે.આજે સમાજને જાગૃત નાગરિકોની જરૂર છે. આપણે સૌમળીને વધુમાં વધુ રક્તદાન કરવાનું પ્રણ લઈએ અને અન્યની જિંદગી બચાવવા આપણું બહુમુલ્ય યોગદાન આપીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है