શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ
ઉત્તરાખંડ જે દેવભૂમિ તરીકે ઓળખાય છે ત્યાં થી ખૂબ જ ભયાનક સમાચાર આવી રહ્યા છે. કુદરતી આપદા થી દેશ- વિદેશમાં હડકંપ. કુદરતી મનમોહક સોંદર્ય બન્યું માટી, રેતીનો ઢગલો. ગઈકાલની પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરાખંડના ચમોલીની પાસે ગ્લેશિયર તૂટતા ભારે હિમસ્ખલન થયું હતું તેનાં લીધે ભારે તબાહીની આશંકા વ્યકત કરાય રહી છે. ગ્લેશિયરનો બરફ ધૌલીગંગા નદીમાં વહી રહ્યો છે, નદીમાં આવેલા જળ પ્રલય થી જાન-માલને ભારે નુકસાન પોહ્ચાડ્યું છે. આ વિસ્તારમાં ચાલતાં વિકાસ કામો, પુલ, કેમ્પસ પોતાની જગ્યાથી વહી ગયા છે, ડેમ ક્ષતી ગ્રસ્ત થયા, સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવાયું છે અને રેસ્ક્યૂ ટીમ સ્થળ પર જઈ લોકોને રેસ્ક્યુ કરી રહી છે. ઋષિગંગા પાવર પ્રોજેક્ટને પણ નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે. અલકનંદા નદીના કિનારે રહેનારાઓને તરત સુરક્ષિત જગ્યાએ ખસેડવાનો નિર્દેશ કરાયો છે. સાવચેતીના ભાગરૂપે ભગીરથી નદીનું પાણી રોકી દેવાયું છે. શ્રીનગર ડેમ અને ઋષિકેશ ડેમને ખાલી કરી દેવાયો છે.
ઉત્તરાખંડના ચમોલીમાં આવેલા જળપ્રલયના કારણે ભારે નુકસાન થયું છે. જાન અને માલ બંનેની તબાહી થઇ છે. હજુ પણ સેના અને એનડીઆરએફની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ગ્લેશિયર તૂટવાથી આવેલા આ જળપ્રલયના કારણે ચમોલીમાં આવેલા મહત્વકાંક્ષી પાવર પ્રોજેક્ટને પણ મોટાપાયે નુકસાન થયું છે. આજે સોમવારે કેન્દ્રિય ઉર્જા મંત્રી આર.કે. સિંહે તપોવન વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે આ જળપ્રલયના કારણે સર્જાયેલ પરિસ્થિતિ અને થયેલા નુકસાનનું અવલકોન કર્યુ હતુ. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે કોઇ પણ સ્થિતિમાં આ પ્રોજેક્ટ બંધ નહીં થાય. સાડા ત્રણ હજાર કરોડની કિંમતના આ પ્રોજેક્ટને લગભગ 1500 કરોડનું નુકસાન થયું છે.
કેન્દ્રિય મંત્રીએ વધારે નુકસાનવાળા ક્ષેત્રોની મુલાકાત પણ લીધી હતી અને આસપાસના પ્રભાવિત લોકો સાથે વાત પણ કરી. સાથે જ તેમને દરેક સંભવ મદદનું આશ્વાસન પણ આપ્યું. સાથે જ તેમણે સ્થાનિક પ્રશાસન સાથે પણ વાતચીત કરીને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતિ મેળવી છે.
તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટને 2023ના વર્ષમાં પુરો કરવાનો હતો. આ પ્રોજેક્ટ 80 ટકા જેટલો બનીને તૈયાર હતો.
ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાના લીધે કીર્તિ નગર, દેવપ્રયાગ, મુનિ કી રેતી વિસ્તારના લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતના જણાવ્યા અનુસાર, “અમને અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર બે પુલ તણાયાના અહેવાલ છે.” તેમણે કહ્યું કે, મોટી જાનહાનિ થયાની સંભાવના પણ છે, પરંતુ હાલની સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી.
ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાના લીધે ઋષિકેશમાં ગંગાના જળસ્તરમાં વધારો થતાં કાંઠા વિસ્તાર અને ઘાટ, દુકાનદારો, સહેલાણીઓ ને સાવધાની રાખવા અને અમુક વિસ્તારોમાં સલામતીના ભાગરૂપ એલર્ટ જાહેર:
હિમાચલના હિમસ્ખલન સંભવિત ગામો અને વિસ્તારમાં એલર્ટ જાહેર:
ઉત્તરાખંડની હોનારત બાદ હિમાચલ પ્રદેશમાં પણ ગ્લેશિયર્સ અને કૃત્રિમ સરોવરો ધરાવતા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્ય સચિવ અનિલ ખાચીના કહેવા પ્રમાણે તેમણે ગ્લેશિયર્સ આવેલી છે, તેવા જિલ્લાઓના ડેપ્યુટી કમિશ્નર્સ સાથે વાત કરીને પ્રોટોકોલના પાલન સાથે મોનિટરિંગ કરવા સૂચનાઓ અપાય છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ આરડી ધીમાનના કહેવા પ્રમાણે હિમસ્ખલન સંભવિત વિસ્તારો ઉપરાંત ગ્લેશિયર્સની આસપાસના ક્ષેત્રોના લોકોને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે. હિમકોસ્ટના ગ્લેશિયર મોનિટરિંગ સેલને પણ તમામ ગતિવિધિનો રિપોર્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને મોકલવા કહેવામાં આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે હિમાચલ પ્રદેશના હિમાલયીન ક્ષેત્રોમાં સતત નવા સરોવરો નિર્માણ પામી રહ્યા છે. વધી રહેલા તાપમાનના કારણે ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે જેથી ઊંચાઈવાળા વિસ્તારોમાં નાના-મોટા આશરે 800 જેટલા સરોવરો બની ચુક્યા છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી તાપમાનમાં જોવા મળતા વધારાના કારણે ગ્લેશિયર્સ પીગળવાની ઘટનામાં વધારો નોંધાયો છે.