શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ
સોનુનિયા ગામે ગણેશ ચતુર્થી અવસરે ઠાકર્યા નૃત્યની રમઝટ: ડાંગ જીલ્લા માં આદીવાસી પરંપરાઓ જીવંત જોવા મળી:
પ્રદીપ ગાંગુર્ડે , સાપુતારા: વર્તમાન સમયમાં ભગવાન શ્રી ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે લાઉડ સ્પીકર અને ડીજે ના તાલે ભજન કીર્તન અને આરતી કરવામાં આવતી હોય છે. અને બાપ્પાની વિદાય પણ ઘણીજ ધામધૂમ થી શોભા યાત્રા કાઢીને ડીજે ના તાલે જુમીને આપવામાં આવે છે.
આજની યુવા પેઢી પરંપરાગત રીત ભુલી ડીજેના તાલે નાચતી જોવા મળે છે ત્યારે આજના આધુનિક યુગમા પણ ડાંગ જિલ્લાનાં આદિવાસીઓમા પોતાની અનોખી પરંપરા અને રિતરીવાજ કે સંસ્કૃતિ અનેક તહેવારો મા જોવા મળે છે.
આહવા તાલુકામાં આવેલ સોનુનીયા ગામના આદિવાસીઓ પોતાની આગવી પરંપરા સંસ્કૃતિ મુજબ ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહ્યા છે.
ગણેશ ચતુર્થીના ચોથા દિવસે ઠાકર્યા નૃત્યનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ ગ્રામજનો નૃત્યનો આનંદો મોજથી માણતા નજરે જોવા મળ્યા હતા.
આજના આધુનિક યુગમાં માનવી પોતાની પરંપરાઓ સંસ્કૃતિ વિસરતા જઈ રહ્યા છે. આજની આધુનિક દુનિયા ડીજેના તાલે થનગનાટ કરી ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહી છે. તેવામાં આવા દ્રશ્યો દુનિયાભરને પ્રેરણા આપે તેમ છે પોતાની સંસ્કૃતિ લોકો વિસરી રહ્યા છે તેવામાં ‘કણમાંથી મણ ભેગું કરવું’ એવી આશા લોકોને હોય તેવી જ રીતે પોતાની સંસ્કૃતિનું અસ્તિત્વ આજની યુવા પેઢી સમજે અને અસ્તિત્વ ટકાવી રાખે તેવી સારી પહેલ દુનિયા સમક્ષ સોનુનિયા ગામના ગ્રામજનો દ્વારા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
ગણેશ ચતુર્થીના ચોથા દિવસે દરરોજની જેમ પોતાના કંઠે આરતી ભજન કીર્તન કરી આદિવાસી રૂઢિ મુજબ ઠાકર્યા નૃત્યનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ ગ્રામજનો નૃત્યનો આનંદો મોજ શોખથી માણતા નજરે જોવા મળ્યા હતા.
ઠાકર્યા નૃત્યની વિશેષતા: ઠાકર્યા નૃત્ય ડાંગી આદિવાસી નૃત્ય કળાનો જુદો જ પ્રકાર છે. નૃત્યને ખાસ કરીને સમય મર્યાદા હોય છે. ડાંગી આદિવાસીઓ તેરા નો સન (તહેવાર) પછી ઠાકર્યા નૃત્યની શરૂઆત થાય તો દિવાળી સુધી જ નૃત્ય જોવા મળે છે. પછીના સમયમાં નૃત્ય જોવા મળતો નથી ઠાકર્યા નૃત્ય એ દેવી પુજક નૃત્ય છે. નાચતી વખતે વાદ્ય તરીકે મોટો ઢોલકું અથવા ડબલુ વાપરવાની પ્રથા છે. સામાન્ય રીતે નાચવા વાળા પગમાં ઘુંઘરુ બાંધી વિરાસન દ્વારા ગોળાકારમાં ફરે છે. આખી રાત નૃત્ય ચાલુ રહે છે છતાં બીજા દિવસે આ લોકોને જરાય થાકની અસર જોવા મળતી નથી.
ખાસ કરીને પૃથ્વી તથા ચંદ્ર સૂર્યની વ્યુત્પત્તિ ‘કુડી આત્મા’ એવા વિષયો પર સંગીત કલ્પકથા કહેવાની હોય. ઘણી વખત રામાયણ તથા મહાભારતના પ્રસંગો પણ વર્ણવવામાં આવે છે. સવાલ અને જવાબ જેને ડાંગી આદિવાસીઓ ઠાકર્યા ગીતોમાં ચઢ અને ઉતાર કહે છે અને આજ ઠાકર્યા નૃત્યની વિશેષતા છે.
ઠાકર્યા નૃત્ય નમન વગર અશક્ય જ, આ રહ્યું તે નમન ગીત.
માઝા નમન રે, ધરતી માતાલા,
દુસરા નમન ગાંવતરી માતાલા.
તીસરા નમન કનસરી માતાલા,
ચૌથા નમન નાગુ દેવાલા.
પાંચવા નમન વાઘુ દેવાલા,
સહાવા નમન ચાંદ સુર્યાલા.
સાતવા આવેલ્યા શોભાલા(જનતેલા)
આવી રીતે આ નમન ગીત ગાયા પછી જ બીજા ગીતો ગાવામાં આવે છે.