શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન કુમાર
નર્મદા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી.પી.ડી.પલસાણાની ચોપડવાવ ડેમ અને કાકડીઆંબા ડેમની મુલાકાત,
નર્મદા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી પી.ડી.પલસાણાએ તેમના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન સાગબારા તાલુકાની ચોપડવાવ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. જ્યાં જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. ત્યારબાદ શ્રી પી.ડી.પલસાણાએ ચોપડવાવ ગામ પાસે આવેલ ચોપડવાવ ડેમની પણ મુલાકાત લીધી હતી, દરમિયાન ચાલુ વર્ષે પ્રથમવાર ઓવરફ્લો થયેલા આ ડેમમાં પાણીની આવક સામે જાવકની વિગતો ઉપરાંત, ચોપડવાવ સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના ગામોને મળતા સિંચાઇના પાણીની સુવિધાના લાભ સાથે ચોપડવાવ ડેમ ઓવરફ્લોના લીધે સંભવત: અસરગ્રસ્ત ગામોના લોકોને નદી કિનારાથી દૂર રહેવાની કરાયેલી તાકીદ વગેરે જેવી બાબતોની જાણકારી મેળવી સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
ત્યારબાદ સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ડેમની પણ મુલાકાત લીધી હતી અને જરૂરી સ્થળસ્થિતિની વિગતોથી વાકેફ થયાં હતાં.
આ મુલાકાત દરમિયાન સાગબારા તાલુકા વિકાસ અધિકારીશ્રી હસમુખભાઇ રાઠવા અને અધિક મદદનીશ ઇજનેરશ્રી નિરવભાઇ વસાવા પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા.