શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગના નિવાસી અધિક કલેકટરશ્રી તેરસીંગ ડામોરની પાંચ વર્ષ બાદ ડાંગથી વિદાય; મહેસુલી અધિકારીઓએ આપ્યુ ભાવભર્યું વિદાયમાન
ડાંગના નવા નિવાસી અધિક કલેકટર તરીકે શ્રી પદ્મરાજ ગામીતનુ કરાયુ સ્વાગત ;
આહવા: રાજ્ય સરકારે તાજેતરમા જ જી.એ.એસ. કેડરના ઉચ્ચાધિકારીઓની કરેલી બદલીઓમા ડાંગ જિલ્લામા છેલ્લા પાંચ વર્ષોથી નિવાસી અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી તેરસીંગ કે. ડામોરની છોટાઉદેપુર ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે બદલી થતા, જિલ્લાના મહેસુલી અધિકારી, કર્મચારીઓએ તેમને ભાવભરી વિદાય આપી હતી.
શ્રી તેરસીંગ ડામોરે તેમના ડાંગ જિલ્લાના લાંબા કાર્યકાળ દરમિયાન મહેસુલ વિભાગની તેમની નિવાસી અધિક કલેકટર તરીકેની કામગીરી ઉપરાંત જિલ્લા આયોજન અધિકારી તરીકે પણ સફળતાપૂર્વક કામગીરી અદા કરી હતી. વિદાય લેતા અધિક કલેકટર શ્રી ડામોરના વિદાય સમારંભ સાથે તેમના અનુગામી તરીકે નિમણુક પામેલા શ્રી પદ્મરાજ અમરસિંહ ગામીતનુ પણ ભાવભર્યું સ્વાગત કરાયુ હતુ.
આ વિદાય અને આવકાર સમારોહ દરમિયાન મહેસુલી પરિવારના મોભી એવા ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ બદલી થઈને જતા અધિક કલેક્ટરના જિલ્લાના લાંબા અનુભવોની જિલ્લાને ખોટ સાલશે તેમ જણાવી, સામે પક્ષે નવનિયુકત નિવાસી અધિક કલેકટર શ્રી ગામીતના બહોળા અનુભવોનો લાભ પણ જિલ્લાને મળી રહેશે તેમ જણાવ્યુ હતુ. સરકારી નોકરીમા બદલી અને બઢતીની પ્રક્રિયાઓ ચાલતી જ રહેતી હોય છે, ત્યારે જે તે સ્થળે પોતાના શ્રેષ્ઠ યોગદાન થકી જિલ્લાના વિકાસ કાર્યોમા સહયોગી થવાની અધિકારી, કર્મચારીઓને તક મળતી હોય છે, તેમ પણ શ્રી પંડ્યાએ તેમના પ્રાસંગિક વક્તવ્યમા જણાવ્યુ હતુ.
પોતાના કાર્યકાળ દરમિયાન મહેસુલી અધિકારી, કર્મચારીઓ સહીત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારી, કર્મચારીઓના મળેલાં સહયોગ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતા શ્રી તેરસીંગ ડામોરે, ડાંગ જિલ્લાના તેમના કાર્યકાળને તેઓ પોતાના જીવનના સુખદ સંભારણા તરીકે હમેશા યાદ કરશે, તેમ જણાવ્યુ હતું.
જયારે નવનિયુક્ત અધિક કલેકટર શ્રી ગામીતે જિલ્લાના મહેસુલ વિભાગ સહીત તમામ કચેરીઓના અધિકારી, કર્મચારીઓના સફળ સંકલન સાથે જિલ્લાના કાર્યોને આગળ ધપાવી, પ્રજાજનોની સેવાની મળેલી તકને ઝડપી નિષ્પક્ષ અને પારદર્શક વહીવટની હિમાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, શ્રી ગામીતની ડાંગના નિવાસી અધિક કલેકટર તરીકે વરણી થઇ તે અગાઉ તેઓ છોટાઉદેપુર ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે કાર્યભાળ સંભાળી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ રાજકોટ ખાતે અધિક કલેકટર તરીકે, અને દાહોદ તથા ભુજ ખાતે એસ.ડી.એમ. તરીકે તેમની સેવા આપી ચુક્યા છે.
જિલ્લા સેવા સદન, આહવા ખાતે યોજાયેલા આ વિદાય અને આવકાર સમારોહમા કલેકટર શ્રી ભાવિન પંડ્યા સહીત પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સી.વી.પટેલ, મામલતદારો સર્વશ્રી ધવલ સંગાડા, પ્રતિક પટેલ, ચંપક વસાવા, ડી..કે.ગામીત અને જયેશ પટેલ સહીત મહેસુલી અધિકારી, કર્મચારીઓએ ઉપસ્થિત રહી તેમના સ્વાનુભાવો વર્ણવી સ્મૃતિભેટ અર્પણ કરી હતી.