
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા વન પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ વિભાગના રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માજી (પંચાલ) :
–
નોન ટીમ્બર ફોરેસ્ટ પ્રોડયુસના વેલ્યૂ એડિશન સાથે સ્થાનિક રોજગારીના સ્ત્રોત વધારવાની હિમાયત :
–
ડાંગ, આહવા: ડાંગ જેવા વન પેદાશો અને વનૌષધીઓથી ભરપૂર પ્રદેશમા વનિલ ઉત્પાદનો થકી સ્થાનિક રોજગારીની રહેલી વિપુલ શક્યતાઓનો બખૂબી ઉપયોગ કરીને, વનપ્રદેશમા વસતા પરિવારોને ઘરઆંગણે જ રોજગારી ઉપલબ્ધ કરાવવાની હિમાયત રાજ્યના સહકાર, કુટીર ઉધોગ, મીઠા ઉધોગ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી સહિત વન પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ વિભાગના રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) એ કરી હતી.
ગત દિવસો દરમિયાન ડાંગ જિલ્લાની ત્રણ દિવસની મુલાકાતે પધારેલા મંત્રીશ્રીએ ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડયા સહિત નાયબ વન સંરક્ષક સર્વ શ્રી અગ્નિશ્વર વ્યાસ અને નિલેશ પંડયા, વન અધિકારીઓ, અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક હાથ ધરી ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડયુ હતુ.
દરમિયાન ડાંગ જિલ્લાની વિવિધ જંગલ કામદાર સરકારી મંડળીઓના પ્રતિનિધિઓ સાથે પણ વિચાર વિમર્શ હાથ ધરી મંત્રીશ્રી વિશ્વકર્મા (પંચાલ) એ સો ટકા પ્રાકૃતિક ખેતીને વરેલા ડાંગ જિલ્લામા આયુર્વેદિક વનૌષધીઓના જતન, સંવર્ધન સાથે ગૌણ વનપેદાશોનુ એકત્રીકરણ, રો મટિરિયલ્સનુ સ્ટોરેજ, તેનુ વેલ્યુ એડેડ ઉત્પાદન, વેચાણ જેવા મુદ્દે ઘનિષ્ઠ ચર્ચા વિચારણા હાથ ધરી હતી.
વન વિભાગની કુપની કામગીરી ઉપરાંત લાકડાનુ ઉત્પાદન, અહીની નાગલી અને તેની બનાવટો, વારલી પેઇન્ટીંગ્સ, નાહરી કેન્દ્રો, મનરેગા યોજનાનુ અમલીકરણ, વનિકરણ જેવી પ્રવૃતિઓ થકી સ્થાનિક રોજગારી સર્જનનો તાગ મેળવતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) એ વિવિધ યોજનાઓ, કાર્યક્રમોના સુભગ સમન્વય દ્વારા વિપુલ પ્રમાણમા રોજગારીના નિર્માણની દિશામા સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
લાઈવલી હૂડ ક્ષેત્રે મહિલા સ્વસહાય જૂથોની અર્થ ઉપાર્જનની વિવિધ પ્રવૃતિઓની જાણકારી મેળવી મંત્રીશ્રીએ ઔષધિય પાક ઉત્પાદન, મસાલા ઉત્પાદન, વાંસ અને નાગલી પ્રોડક્ટ જેવી નોન ટીમ્બર ફોરેસ્ટ પ્રોડયુસ (NTFP) બાબતે વેલ્યૂ એડિશન સાથે NID, અને EDI દ્વારા લક્ષિત ગૃપોને જરૂરી તાલીમથી સુસજ્જ કરી, તેમનુ ક્ષમતા વર્ધન કરવાની પણ હિમાયત કરી હતી.
ડાંગ જિલ્લામા સ્થાનિક પરંપરા અનુસાર આયુર્વેદિક વનૌષધીઓના ઉપયોગથી જરૂરિયાતમંદોની સેવા સુશ્રુષા કરતા ‘ભગતો’ ના પારંપરિક જ્ઞાનનો ‘બહુજન સુખાય અને બહુજન હિતાય’ ઉપયોગ કરી શકાય તે માટે આવા જાણકાર વૈધરાજોના જ્ઞાનને સંચિત કરી, તેનો અમુલ્ય વારસો ભાવિ પેઢીને ઉપલબ્ધ કરાવવાની દિશામા પ્રયાસો હાથ ધરવાની પણ મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
ડાંગ જિલ્લાને રાજ્ય સરકારે જ્યારે ‘ઓર્ગેનિક જિલ્લો’ જાહેર કર્યો છે. ત્યારે અહીની શુદ્ધત્તા અને પૌષ્ટિકતા જાળવવાની સૌની સહિયારી જવાબદારી છે. તેમ જણાવતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) એ સફેદ મુસળી, અને વર્મી કમ્પોસ્ટના વ્યાપક ઉત્પાદન અને ઉપયોગ અંગે પણ તેમના અભિપ્રાયો વ્યક્ત કર્તા હતા.
મંત્રીશ્રીએ તેમની ડાંગ જિલ્લાની ત્રણ દિવસીય મુલાકાત વેળા ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ મહાલ અને કિલાદ, વાંસદા નેશનલ પાર્ક ખાતે આવેલુ વન્યપ્રાણી સંવર્ધન કેન્દ્ર, બોટાનિકલ ગાર્ડન, અંજની કુંડ, પંપા સરોવર, શબરીધામ, સહિત ગિરિમથક સાપુતારા સ્થિત વિવિધ વન વિકાસ કેન્દ્રો, પ્રવાસન સ્થળો વિગેરેની જાત મુલાકાત લઈ, ઉપયોગી સુચનો રજૂ કર્યા હતા.