
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
આમ આદમી પાર્ટી – નર્મદા જિલ્લા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તેમજ ગુજરાતના ઉર્જામંત્રી શ્રીને ઉલ્લેખ કરી ને મામલતદાર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં માંગ કરવામાં આવેલ છે કે ગુજરાત સર્વોદય યોજના હેઠળ પ્રથમ તબક્કામાં જ નર્મદા જિલ્લાનો સમાવેશ કરવામાં આવે અને ખેતીવાડી માટે દિવસ દરમ્યાન સવારે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવે. કેમ કે નર્મદા જિલ્લામાં પણ રિછનું અભ્યારણ્ય આવેલું છે અને સાતપુડા જંગલ માંથી જંગલી જાનવરો નર્મદા જિલ્લામાં રાત્રી દરમ્યાન રખડતા રહે છે, જેથી ખેડૂતો ને જાનહાની થવાની બીક પ્રવર્તે છે.
સાથે નર્મદા જિલ્લાની બંને તરફ જોતા એક બાજુ નર્મદા નદી ઉપર સરદાર સરોવર ડેમ તેમજ બીજી બાજુ તાપી નદી ઉપર ઉકાઈ ડેમ બનેલ છે. બંને ડેમમાં વીજળી ભરપૂર માત્રામાં ઉત્પન્ન થાય છે. બંને ડેમ બનાવતી વખતે નર્મદા જિલ્લાના લોકોની જમીનો પણ ડૂબાણમાં ગયેલ છે. છતાં જ્યારે પણ સિંચાઈનું પાણી આપવાની વાત આવે કે વીજળી આપવાની ત્યારે સૌરાષ્ટ્ર બાજુ જ આપવામાં આવે છે અને નર્મદા જિલ્લા સાથે ઓરમાયું વર્તન થાય છે એ ક્યાં સુધી સહી લેવાય.
ડૉ. કિરણ વસાવા- પ્રમુખ આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા જણાવવામાં આવ્યું કે નર્મદા જિલ્લામાં રાજકીય નેતૃત્વ ખૂબ જ નબળું હોવાને લીધે કાયમ જ નર્મદા જીલ્લા સાથે અન્યાય થાય છે. માટે હવે નબળા નેતૃત્વ તેમજ અન્યાયી ગુજરાત સરકાર વિરુદ્ધ આમ આદમી પાર્ટી હવે જનતાનો અવાજ બનશે.