
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
માહિતી ખાતાના વર્ગ-૩ કર્મચારી મંડળ દક્ષિણ ગુજરાત ઝોન/કારોબારી બેઠક સાપુતારા ખાતે યોજાઈ:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: રાજ્ય સરકારના માહિતી ખાતાના અધિકારી અને કર્મચારીઓ વચ્ચે યોગ્ય તાલમેલ સાથે રોજિંદી કામગીરીમા ઉદભવતા નાના મોટા પ્રશ્નોના સાનુકૂળ નિરાકરણ અર્થે સતત પ્રયત્નશીલ, એવા માહિતી ખાતાના વર્ગ-૩ કર્મચારી મંડળની દક્ષિણ ગુજરાત ઝોન/કારોબારી બેઠક, તાજેતરમા ગિરિમથક સાપુતારા ખાતે યોજાઈ ગઈ.
‘વિવાદ નહિ, સંવાદ’ ના સૂત્રને સાર્થક કરતા આ કર્મચારી મંડળ દ્વારા ભૂતકાળમા પણ, કર્મચારી અને અધિકારીઓને એક મંચ પ્રદાન કરી, પરસ્પર સંવાદના માધ્યમથી ઉદ્દભવતી સમસ્યાઓ કે પ્રશ્નોનુ નિરાકરણ લાવવાના સ્તુત્ય પ્રયાસો કરાયા હતા. જે શૃંખલાને આગળ ધપાવતા આ વખતે દક્ષિણ ગુજરાત ઝોનના કર્મચારીઓ અને રાજ્ય સ્તરના કારોબારી મંડળના હોદ્દેદારોએ એકઠા થઇ, પરસ્પર વિશ્વાસ અને પારિવારિક ભાવના સાથે, ફરજની સાથે ઉદભવતા પ્રશ્નોના નિરાકરણ માટે સામુહિક ચિંતન કર્યું હતુ.
મંડળના પ્રમુખ શ્રી કિરીટ બેંકરે સૌને દોરવણી આપતા માહિતી ખાતાની રોજબરોજની કામગીરી, ટિમ ભાવના સાથે હાથ ધરી પોતાની કારકિર્દીને આગળ ધપાવવા સાથે, જો નાની મોટી સમસ્યા કે પ્રશ્નો ઉદભવે તો તેને મંડળના માધ્યમથી યોગ્ય સ્તરે પહોંચાડવામા આવી રહ્યા છે તેમ જણાવ્યુ હતુ. શ્રી બેંકરે વર્ષો જુના વહીવટી પ્રશ્નોનુ સુખદ નિરાકરણ લાવવામા મંડળને સફળતા મળી છે તેમ સદ્રસ્ટાન્ત જણાવ્યુ હતુ. પ્રમુખશ્રીએ આ માટે વિભાગ/ખાતાના ઉચ્ચાધિકારીઓ પ્રત્યે પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
માહિતી વિભાગ હસ્તકના કાયમી પ્રદર્શન કેન્દ્ર-સાપુતારા ખાતે આયોજિત કર્મચારી મંડળની આ બેઠકમા, સ્વાગત વક્તવ્ય દક્ષિણ ગુજરાત ઝોનના સંગઠન મંત્રી એવા સુરતના ટેકનિકલ આસિસ્ટન્ટ શ્રી નરેશ પટેલે આપ્યુ હતુ. જ્યારે અંતે આભારવિધિ વલસાડના કચેરી અધિક્ષક એવા કારોબારી સભ્ય શ્રી અક્ષય દેસાઈએ આટોપી હતી.
દક્ષિણ ગુજરાત ઝોનની આ કારોબારી બેઠકમા ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, અને વલસાડ જિલ્લાના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. જેમને રાજ્ય કક્ષાએથી પધારેલા પ્રમુખ શ્રી કિરીટ બેંકર, ઉપ પ્રમુખ સુશ્રી ફોરમ રાઠોડ, સર્વશ્રી વિપુલ ચૌહાણ, અને સી.એમ.વાઘેલા તથા કારોબારી સભ્યો એવા સુશ્રી ધર્મિસ્ઠા સોની, ઋચા રાવલ, અને ચૈતાલી પટેલ, ઉપરાંત સર્વશ્રી ઉમંગ બારોટ દિપક જાદવ, હર્ષદ રૂપાપરા, અને વિકટર ડામોર સહિતના હોદ્દેદારોએ માર્ગદર્શિત કર્યા હતા. મંડળે યજમાન એવા જિલ્લા માહિતી કચેરી, આહવાના તમામ કર્મયોગીઓનો પણ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.