શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ
આસામ વિધાનસભાની જાહેર સાહસોની સમિતિના ચેરમેનશ્રી રામેન્દ્રા કલીતા સહિત ધારાસભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની સફળ મુલાકાતે;
આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા આસામ વિધાનસભાની જાહેર સાહસોની સમિતિના ચેરમેનશ્રી રામેન્દ્રા નારાયણ કલિતા, ધારાસભ્ય સર્વશ્રી પ્રોદીપ હઝારીકા અને તેરશ ગોવાલા સહિત સંપૂર્ણ ટીમે સામાન્ય દિવસોમાં પણ પ્રવાસીઓની બહોળા પ્રમાણમાં હાજરી જોઈને સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા હતા.
આસામ વિધાનસભાના મહાનુભાઓની આ ખાસ મુલાકાતમાં ગાઈડ મિત્રશ્રી જયંતીભાઈ તડવી જોડાયા હતા. મહેમાનો સરદાર સાહેબના પ્રાસંગિક તથા ઐતિહાસિક જીવન કવન સંદર્ભે ફિલ્મ નિહાળી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતા અને ઝીણવટ ભરી માહિતીથી વાકેફ થયા હતા. ત્યાર બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૪૫ માળેથી, સરદાર સાહેબના હૃદયસ્થાનેથી વિધ્યાંચલ-સાતપૂડા ગિરિમાળાની પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી “ટીમ આસામે” ધન્યતા અનુભવી હતી. મહેમાનોએ સરદાર સરોવર નર્મદા ડેમ અને ટનલની મુલાકાત લઇ ગાઈડ મિત્ર દ્વારા તકનિકી માહિતી પણ મેળવી હતી.
આસામ વિધાનસભાના સર્વ મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અંગે પોતાના મંતવ્યો રજૂ કરતાં જણાવ્યું કે, સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમા ખરેખર ખુબ જ અદભુત છે, અમને અહીં આવવાની તક મળી એ અમારા માટે સૌભાગ્યની વાત છે. સરદાર સાહેબે જેવી રીતે અખંડ ભારતનું નિર્માણ કર્યું, તેવી રીતે તેમની વિરાટ અને અદભૂત પ્રતિમા લોકોને એકતાના સૂત્રમાં જોડવાનું કામ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતની થયેલી હરણફાળ પ્રગતિએ ગુજરાત સહિત દેશને આજે વિશ્વપટલ પર બીજા દેશોની સરખામણીમાં એક શક્તિશાળી દાવેદાર તરીકે પ્રસ્થાપિત કર્યું છે. વધુમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે આજે આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે તે ગુજરાત સહિત દેશના વિકાસમાં પોતાની મજબૂત છાપ છોડશે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા