શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ, વાસ્મો દ્વારા હર ઘર જલ કાર્યક્રમ અંતર્ગત ગામ પાણી સમિતીઓ માટેનો પ્રેરણા પ્રવાસ યોજાયો હતો,
વ્યારા: “જલ જીવન મિશન” હર ઘર જલ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ,વાસ્મો દ્વારા પાણી સમિતીઓનાં ક્ષમતાવર્ધન, જનજાગૃતિ હેતુ પાણી પુરવઠા (વાસ્મો) વિભાગ દ્વારા જીલ્લામાં આવેલ જુથ પાણી પુરવઠા યોજનાના ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા પાણીના મુખ્ય સ્ત્રોતનું નિદર્શન કરવા માટે તાપી બલ્ક પાઇપલાઇન જુથ પાણી પુરવઠા યોજનાના મુખ્ય ઇન્ટેકવેલ તથા ટ્રીટમેન્ટ પ્લાન્ટના સ્થળે તા.૧૯/૦૮/૨૦૨૧ નાં રોજ પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડોલવણ તાલુકાના કુલ. ૧૫ ગામોનાં કુલ. ૧૮૫ જેટલા પાણી સમિતિના સભ્યોએ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત રહેલ મુખ્ય મહેમાનો તથા પાણી સમિતીની બહેનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
યુનિટ મેનેજરશ્રી જી.એમ. સોનકેસરીયાએ પાણી ગુણવત્તા બાબતે ભાર આપતાં જણાવ્યું હતું કે પાણીનો ઉપયોગ કરતાં પહેલાં પાણીની શુદ્ધતા સુનિશ્ચિત કરી લેવી અત્યંત જરૂરી છે, વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વિશ્વમાં ૭૦% રોગો પીવાના પાણીનાં લીધે થાય છે અને તે માટે ગ્રામ્ય સ્તરે પાણી સમિતીઓને પાણી ગુણવત્તા ચકાસણી ટીમની રચના કરી વાસ્મો દ્વારા આપવામાં આવતી પાણી ગુણવત્તા ચકાસણી કીટનો મહત્તમ ઉપયોગ ગ્રામ્ય સ્તરે થાય તે માટે હાકલ કરી હતી.
જીલ્લા કો.ઓર્ડિનેટરશ્રી અરૂણ ગામીત દ્વારા પ્રેરણા પ્રવાસનો હેતુ, જળ વ્યવસ્થાપન, જળ સંવર્ધન તથા “નલ સે જલ” યોજનાઓની મરામત અને નિભાવણી પ્રત્યે ગામ પાણી સમિતીઓ સજાગ થઇ સુચારૂ રીતે સમાન ધોરણે અવિરત પાણી પુરવઠો શરૂ રહે તે માટે પાણીવેરો નિયમિત લેવા માટે હાકલ કરી હતી.
ઉપસ્થિત રહેલ ગામ પાણી સમિતીઓનાં અધ્યક્ષશ્રીઓને વાસ્મો દ્વારા બનાવેલ પાણી ગુણવત્તા કીટનું વિતરણ કરવામાં આવેલ હતું ત્યાર બાદ જુથ યોજનાના તાપી નદીમાં આવેલ ઇન્ટેકવેલ તથા કણજા ગામ ખાતે નિર્મિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) નું નિદર્શન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાસ્મો, પાણી પુરવઠા તથા અમલીકરણ સહાયક સંસ્થાના કર્મચારીઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.