શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, પત્રકાર ફતેહ બેલીમ, સુરત
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સાયન્સ સિટી ખાતે આયોજીત વાઇબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ, કર્મચારીઓએ નિહાળ્યું:
સુરત: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરની સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ’ની ૨૦ વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેનું લાઇવ પ્રસારણ સુરત શહેરના સરસાણા ખાતે સ્થિત એસજીસીસીઆઈના કમિટી હોલ ખાતે સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ, કર્મચારીઓ અને કન્સલ્ટન્સોએ ઓનલાઈન નિહાળ્યું હતું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૦૦૩માં વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી. દર બે વર્ષે યોજાતી આ સમિટ વૈશ્વિક ઈવેન્ટમાં પરિવર્તિત થઈ છે. જે ભારતમાં સૌથી પ્રીમિયર બિઝનેસ સમિટમાંની એક તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરે છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આગામી વર્ષે જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ થીમ પર યોજાશે.
વડાપ્રધાશ્રીએ જણાવ્યું હતું કે, સમિટના ર૦ વર્ષને રાજ્યના વિકાસને આગળ વધારવા માટે “ચાવીરૂપ માઈલસ્ટોન” ગણાવી હતી. વાઇબ્રન્ટ ગુજરાત’ને ગુજરાતનો આત્મવિશ્વાસ વધારવા માટે અને વિશ્વની આંખ સામે વાત કરવા માટે એક ચેનલ બનાવવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાને કહ્યું કે, ગુજરાતનો વિકાસ રાષ્ટ્રીય વિઝન સાથે કરવામાં આવી રહ્યો છે. ગુજરાત હંમેશા વેપારીઓના રાજ્ય તરીકે જાણીતું હતું, પરંતુ ર૧મી સદીમાં જ્યારે રાજ્યે તેના વેપારને પણ મજબૂત બનાવ્યો ત્યારે ગુજરાત કૃષિ, નાણાકીય, ઔદ્યોગિક અને ઉત્પાદનનું કેન્દ્ર બન્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.